અમદાવાદ,તા.૨૮
રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કૌભાંડમાં ધરપકડ કરાયેલા મહત્વના આરોપી કિરીટ પાલડિયાની જામીન અરજી આજે એડિશનલ સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે આરોપીને જામીન આપવાનો સાફ ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, આરોપી વિરૂધ્ધ બિટકોઇન કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે અને ગુનાની ગંભીરતા જોતાં તેને જામીન આપી શકાય તેમ નથી. રાજયભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં આરોપી કિરીટ પાલડિયાની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં સીઆઇડી ક્રાઇમ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપી કિરીટ પાલડિયા આ કેસના સહઆરોપીઓ સાથે બિટકોઇનના સમગ્ર કાવતરામાં પહેલેથી સામેલ હતો અને તેની વિરૂધ્ધ ટેકનીકલ પુરાવા તપાસ દરમ્યાન પ્રાપ્ત થયા છે, તેથી આ કૌભાંડમાં આરોપી પાલડિયાની સક્રિય ભૂમિકા અને ગુુનાની ગંભીરતા પ્રસ્થાપિત થઇ છે. તા.૧૧મી ફેબ્રુઆરીએ ફરિયાદી શૈલેષ ભટ્ટના અપહરણના ગુનાને અંજામ આપવા આરોપી કિરીટ પાલડિયાની આ કેસના સહઆરોપી કેતન પટેલ, આરોપી પીઆઇ અનંત પટેલ સાથે મુલાકાતની યોજના કયારે બનાવી અને કોની મદદથી તે યોજાઇ તે સહિતની માહિતીનો પાલડિયાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને તેના આધારે જ કેસમાં મહત્વના પુરાવાઓ તપાસનીશ એજન્સીએ મેળવ્યા હતા. ખૂબ જ સંવેદનશીલ એવા આ કૌભાંડમાં શરૂઆતથી લઇ અંત સુધીના સમગ્ર ઘટનાક્રમમાં કિરીટ પાલડિયાની અગત્યની અને સક્રિય ભૂમિકા બહાર આવી છે, આ સમગ્ર ગુનામાં બિટકોઇન ટ્રાન્સફર કરવા માટે ટેકનીકલ પ્રોસીઝર જરૂરી હોઇ આરોપી કિરીટ પાલડિયાના અગાઉ રિમાન્ડ પણ મેળવાયા હતા. જેમાં આરોપી કિરીટ પાલડિયાના જુદા જુદા એક્ષ્ચેન્જના વોલેટ, આઇડી ઓપન કરી ચેક કરવા તથા ટેકનીકલ સાધનોની મદદથી તેની ચકાસણી કરાઇ હતી અને તે દરમ્યાન પણ અનેક પુરાવાઓ અને કેસની ખૂટતી કડીઓ તપાસનીશ એજન્સીને પ્રાપ્ત થઇ હતી. આરોપી વિરૂધ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હોઇ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેવી જોઇએ નહી. જો આરોપીને જામીન અપાય તો કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં કોર્ટે આરોપીના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી કિરીટ પાલડિયાની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.