(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના મોટા વરાછા શનશાઈન ડોક્ટર હાઉસની પાસે ખોડલધામના પ્રમુખ અને હાર્દિક પટેલ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ થયેલા હુમલામાં પાસના બે કાર્યકર્તાઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. બચાવ પક્ષના એડવોકેટ મારફતે એક જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. તેઓની જામીન અરજીની સુનાવણી કોર્ટમાં હાથ ધરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ તથા પાસના કન્વીનર હાર્દિક પટેલ વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેની શંકા રાખી ગત તા.૬-૧૨-૨૦૧૭ના રોજ રાત્રે મોટા વરાછા સનશાઈન ડોક્ટર હાઉસ પાસે ફરિયાદી કલ્પેશ દેવાણી પર શંકા રાખી ચપ્પુ વડે હુમલો કરી ઢીકા મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. અમરોલી પોલીસે આઈપીસી ૩૦૭ તથા રાયોટિંગનો ગુનો નોંધી આરોપી ચંદ્રેશ કાકડીયા તથા સંદીપ ગોયાણીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. બચાવપક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા મારફતે રજૂ કરેલી જામીન અરજીમાં જણાવાયું હતું કે માત્ર લોકસભાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસે કોઈ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો નથી. આગામી સપ્તાહમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.