(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના સૈયદપુરા-નાણાવટ-શાહપોર અને કતારગામ-કુબેરનગર વિસ્તારની ભાજપના મહિલા કોર્પોરેટર નેન્શી સુમરાની જામીન અરજી સામે એસીબી દ્વારા આજે કોર્ટમાં એફીડેવીટ રજૂ કરી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું બચાવ પક્ષના એડવોકેટે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૧ની મહિલા કોર્પોરેટર નેન્શી સુમરા, પિતા મોહન સુમરા તથા પ્રિન્સ સુમરા દ્વારા સૈયદપુરાના એક બિલ્ડર પાસે ડિમોલીશન નહીં કરવા તથા અધિકારીઓ હેરાન-પરેશાન નહીં કરે તે માટે રૂા.૭૫ હજારની લાંચ માંગવામાં આવી હતી. એસીબી દ્વારા છટકુ ગોઠવી તેઓની તબક્કાવાર ધરપકડકરી કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમને લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. બચાવ પક્ષના એડવોકેટ દ્વારા ગત સપ્તાહમાં રજૂ કરવામાં આવેલી જામીન અરજી સામે એસીબીના પીઆઈ દેસાઈ દ્વારા કોર્ટમાં એફીડેવીટ રજૂ કરવામાં આવી હતી. હાલમાં પિતા મોહન સુમરા, પુત્રી નેન્શી સુમરા તથા પુત્ર પ્રિન્સ સુમરા લાજપોર જેલમાં હોવાનું એસીબી દ્વારા જણાવવામાં આવ્યું છે.