(સંવાદદાતા દ્વારા)
મહેસાણા,તા.રપ
પાટીદાર અનામત આંદોલનની શરૂઆતમાં જ વિસનગરમાં ત્રણ વર્ષ પહેલાં નીકળેલી રેલી બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાંકોર્ટે પાસના નેતા હાર્દિક પટેલ એસપીજીના લાલજી પટેલ સહિત સ્થાનિક આગેવાન એ.કે. પટેલને સેશન્સ કોર્ટે બે વર્ષની સજા અને પ૦-પ૦ હજારના રૂપિયાના દંડનો હુકમ કર્યો છે. કોર્ટે સજા સંભળાવ્યાના ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. જેને લીધે ત્રણેયને હવે જેલમાં રહેવું નહીં પડે. બીજી તરફ હાર્દિક પટેલને સજાને પગલે પાટીદાર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ પાસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગર શહેરમાં કાઢવામાં આવેલી રેલીમાં સ્થાનિક ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસનો બુધવારે વિસનગર કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં સંડોવાયેલા ૧૭ આરોપીઓ પૈકી હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. જ્યારે ત્રણેયને રૂા. પ૦-પ૦ હજારનો દંડનો આદેશ આપ્યો હતો. આ કેસની પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત તા.ર૩ જુલાઈ ર૦૧પના રોજ વિસનગર ખાતે પાટીદાર આંદોલન અંતર્ગત પાટીદાર સમાજની વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલી દરમ્યાન કાંસા ચોકડી નજીક આવેલ સ્થાનિક ભાજપના ધારાસભ્ય ઋષિકેષ પટેલની ઓફિસમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે એક કાર ગાડીને સળગાવી ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારના કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે વિસનગર પોલીસે પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ સહિત ૧૭ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ચાર્જશીટ બાદ આ કેસ વિસનગર કોર્ટમાં ચાલી જતા બુધવારે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને રિપોર્ટિંગના ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે આ ત્રણેય અરોપીઓને બે-બે વર્ષની સજા ફટકારી હતી. જ્યારે પ્રત્યેકને રૂા.પ૦-પ૦ હજારનો દંડ કરી ધારાસભ્યને રૂા.૪૦ હજાર, ફરિયાદી મીડિયાકર્મીને રૂા.૧૦ હજાર અને ગાડી માલિકને રૂા.૧ લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. આ કેસના અન્ય ૧૪ આરોપીઓને નિર્દોષ છોડયા હતા. નોંધપાત્ર છે કે દોષિત ઠરેલા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલ કરેલી જામની અરજીની સુનાવણી બાદ રૂા.૧પ હજારના બોન્ડ પર પાસપોર્ટ જમા કરવા સહિતની શરતોને આધીન કોર્ટે ત્રણેયનો જામની ઉપર છૂટકારો કર્યો હતો.
આંદોલનમાં થયેલા કેસો સરકારે પાછા ખેંચ્યા તો મને કયા કેસમાં સજા થઈ ?
પાટીદાર અનામત આંદોલનમાં વિસનગરમાં તોડફોડ કેસમાં સજા થયા બાદ હાર્દિક પટેલે તેના ટ્વીટર એકાઉન્ટર પર ટિ્વટ કરીને પ્રતિક્રિયા આપી હતી. ટ્વીટ કરીને હાર્દિકે જણાવ્યું હતું કે, કોર્ટે સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે કોઈપણ સમસ્યાનું સમાધાન તેના નિર્ધારિત સ્તરેથી નથી થઈ શકતું. આ પ્રકારની મુસીબતના ઉકેલ માટે જે-તે નિર્ધારિત સ્તરથી ઉપર જવું પડે છે. ઈન્કલાબ ઝિંદાબાદ. સામાજિક ન્યાય અને અધિકાર માટે જો લડવું ગુનો હોય તો હું ગુનેગાર છું. સત્ય અને અધિકારની લડાઈ લડનાર વ્યક્તિ જો બળવાખોર હોય તો હું બળવાખોર છું. ખેડૂતો, યુવાઓ અને ગરીબો માટે લડાઈ લડતા મારા અવાજને ભાજપની હિટલરશાહી સત્તા દબાવી નહીં શકે. મૌત ઔર કફન બાંધકર ચલ રહા હું. સલાખો સે નહીં ડરતા. બાત અગર મેરી હોતી તો બૈઠ જાતા ઘર મેં, લેકીન બાત કરોડો ગરીબ લોગોં કી હૈ. ગુજરાતમાં ચૂંટણી પહેલાં ભાજપા કહેતી હતી કે અમે તમામ આંદોલનકારીઓ પર લાગેલા કેસ પરત ખેંચી લીધા છે, તો કયા ગુનામાં આ સજાની જાહેરાત કરવામાં આવી ? વધુ એક ટ્વીટમાં હાર્દિકે જણાવ્યું કે ગુજરાતમાં ચૂંટણી પહેલાં ભાજપ કહેતી હતી કે તેમણે તમામ આંદોલનકારીઓ ઉપર થયેલા કેસો પાછા ખેંચી લીધા છે તો પછી મને કયા કેસમાં સજા થઈ છે ? ત્યારબાદ અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું કે મારી ફીતરત છે. અત્યાચાર કરનારા સામે લડવાની અને હક માટે લડવું. જેટલો દબાવશો એટલો પડકાર ઝીલીને ફરીથી ઉપર આવીશ.
કોર્ટ સંકુલમાં એસપીજીના કાર્યકર અને હાર્દિક વચ્ચે શાબ્દિક ટપાટપી
મહેસાણાની વિસનગર કોર્ટમાં હાર્દિક પટેલ સહિત ત્રણને તોડફોડ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી ત્યારબાદ કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા ત્યારે હાર્દિક પટેલ કોર્ટ રૂમની બહાર આવતા જ હોબાળો થયો હતો. હાર્દિકની હાજરીમાં જ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના એક કાર્યકરે હાર્દિક સામે બળાપો કાઢ્યો હતો. તેણે હાર્દિકની સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે હાર્દિક પાટીદાર સમાજને શા માટે ગેરમાર્ગે દોરે છે ? તેમ કહીને તેણે હાર્દિક પટેલને અપશબ્દો બોલ્યા હતા. એક તબક્કે તો આ રોષે ભરાયેલા એસપીજીના કાર્યકર અને હાર્દિક પટેલ વચ્ચે તુ-તુ, મેં-મેં થઈ ગઈ હતી. ત્યારે એસપીજીના કાર્યકરે બળાપો કાઢતા કહ્યું કે, અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજને અનામતનો વિરોધ કર્યો તો પછી અલ્પેશ સાથે ફરીને હાર્દિક પાટીદાર સમાજને ન્યાય શું અપાવશે ? તેવો સવાલ કર્યો હતો. મામલો વધુ વણસે તે પહેલાં હાજર પોલીસ કર્મીઓએ વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
Recent Comments