(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
ખટોદરા પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા પી.આઈ. મોહન ખીલેરી આજે સુરતમાં સ્પેશિયલ બ્રાંચના ડીસીપી સામે હાજર થયા હતા. હાઈકોર્ટમાંથી ખીલેરીને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ ખીલેરી પોલીસ સામે હાજર થયા હતા. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહીની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે. જો કે, આ કેસમાં પી.આઈ. સહિતના કોન્સ્ટેબલ પણ સામેલ હતા જેમાં હજુ પણ કેટલાક કોન્સ્ટેબલ નાસતા-ફરતા જોવા મળી રહ્યા છે.
ખટોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. મોહન ખીલેરી, પી.એસ.આઈ. સી.પી. ચૌધરી સહિત છ આરોપી બની ગયા હતા. ઘરફોડ ચોરીના શકમંદ આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ થર્ડ ડિગ્રી વાપરવામાં આવતા એ આરોપી હાલ બ્રેન ડેડ થયા બાદ મોતને ભેટ્યો હતો. આ કેસમાં છ પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ થયો હતો. તમામ નાસી ગયા બાદ નાસતા-ફરતા હતા. જો કે હવે જામીન મળવા લાગતાં પી.આઈ. ખીલેરી આજે હાજર થયા છે.
કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા પી.એસ.આઇ. ચિરાગ ચૌધરીને હાઇકોર્ટથી જામીન મળી ગયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નકારાયા બાદ આરોપી દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ચોરીના એક બનાવમાં ઓમપ્રકાશ પાંડેનું મોત નીપજ્યું હતું તેને કસ્ટડીમાં પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.