(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂત આગેવાનો તથા રાજકીય પક્ષના અગ્રણીઓની એક બેઠક મુંબઇ ખાતે મળી હતી. જેમાં બુલેટ ટ્રેનમાં ખેડૂતોએ જમીન સંપાદનનો ધરાર વિરોધ કરવાની સાથે જમીન આપવાના મુદ્દે સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો. આ સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તમામ અસરગ્રસ્ત ગ્રામ પંચાયતોની બેઠકમાં જમીન નહી આપવાનો ઠરાવ કરી વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઇથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો કહેવાતો ડ્રીમ પ્રોજેક્ટ એ માત્ર મુડીપતિઓ માટેનો પ્રોજેક્ટ છે. જેમાં ગરીબ મધ્યમ વર્ગના ખેડૂતોની જમીનો અને મકાનો જાય છે, ત્યારે મુંબઇ પાલઘર ખાતે મહારાષ્ટ્ર ગુજરાતના ખેડૂત અગ્રણીઓ તથા પર્યાવરણ વિદો એકઠા થયા હતા. બેઠકમાં એવી ચર્ચા થઇ હતી કે ભાજપ સરકાર મુડિપતિઓની સરકાર બની ગઇ છે. ગરીબ મધ્યમ વર્ગ માટેના પ્રોજેક્ટ અમલી બનાવવો બદલે બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ બનાવી મુડિપતિઓને ફાયદો થાય તેવી પેરવી કરી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમલની શરુઆત થઇ છે. મુંબઇની કેટલીક કિંમતી જમીન લેવાનો પ્રયાસ થયો જેનો વિરોધ થતા અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં રાજકિય પક્ષોના આગેવાનો, ખેડૂત સમાજના આગેવાનો તેમજ પર્યાવરણ વિદોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોએ પોતાની માલિકીની જમીન આપવી નહી તેવો નિર્ણય કર્યો હતો. રેલવેના ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનો પણ વિરોધ કરવાનું નક્કી કરાયું છે.