(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
દેશમાં વધી રહેલી મોબ લિચિંગના વિરોધમાં ગત તા.પાંચમી જુલાઇના રોજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ખ્વાજાદાના દરગાહથી કલેક્ટર કચેરી, અઠવા લાઇન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં તોફાન થતા પોલીસે ૭૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ૧ર આરોપીઓએ જામીન મુક્તિ માટે કરેલી અરજી પર આજ રોજ કોર્ટ દ્વારા રૂા.રપ,૦૦૦ના શરતી જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
દેશભરમાં બની રહેલ મોબલિંચિંગના બનાવને વખોડવા સમગ્ર દેશમાં વિરોધ રૂપી રેલી નિકાળવામાં આવી હતી. તેના જ એક ભાગરૂપે આજરોજ શહેરના બડેખા ચકલા ખ્વાજાદાના રોડ ખાતેથી વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના સુરતના બેનર હેઠળ એક રેલી બપોરે ત્રણ વાગ્યે નિકળતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્ર થયા હતા. રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયેલા હોવાથી રેલીમાં જોડાયેલા લોકોને ગેરસમજ થઇ હતી કે રેલી ખ્વાજાના રોડથી અઠવાલાઇન્સ કલેક્ટર સુધી જશે. પરંતુ રેલીની પરમિશન નાનપુરા મક્કાઇપુલ સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીની હતી અને લોકો એટલી વિશાળ સંખ્યામાં હતા કે ચોક મેઇનરોડ બંને બાજુથી લોકોથી ઉભરાઇ ઉઠતા બે માર્ગથી લોકો ચાલી રહ્યા હોવાથી પાછો કેવી રીતે પરત થાય તેની ગેરસમજ ઉભી થઇ હતી. દરમિયાન પોલીસ મક્કાઇપુલ સર્કલ પાસે પોલીસવાન ઉભી કરી દેતા રેલીમાં જોડાયેલા લોકો અને પોલીસ વચ્ચે રકઝકમાં ધક્કા મુકી થતા, લોકો વિફર્યા હતા અને તેમાંથી કેટલાક લોકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કરતા મામલો ઉગ્ર બનવા પામ્યો હતો, દરમિયાન વધુ પોલીસ ટીમ બનાવ સ્થળ ઉપર ધસી આવતા પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ટિયરગેસના પાંચથી છ જેટલા ટેટા (સેલ) છોડતા રેલીમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસે લાઠી ચાર્જ પણ કરતા રેલીમાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસે બનાવ સ્થળ પરથી વર્સેટાઇલ માઇનોરીટી ફોરમના પ્રમુખ બાબુ પઠાણ, કોંગ્રેસ કોર્પોરેટર અસલ્મ સાયકલવાલા, શબ્બીર ચાહવાલા સહિતનાઓને ઉચકી લઇ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. આજરોજ આ કેસ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં જતા કોર્ટે બાબુ પઠાણ, કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિતના ૧ર આરોપીઓની પચાસ હજાર રૂપિયાના શરતી જામીન અને રૂપિયા છ હજાર પબ્લીક પ્રોપર્ટીને નુકસાનના પેનલ્ટી સાથે જામીન અરજી મંજૂર કરી હોવાનું જાણવા મળે છે. આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને એપીપી ભદ્રેશ દલાલે જામીન અરજીનો વિરોધ કરતી દલીલો કરી હતી. અત્રે નોંધનીય છે કે બીજી સાત જામીન અરજી પર તા.૧૮મી ના રોજ સુનાવણી હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.