અંકલેશ્વર,તા.રર
અંકલેશ્વરના જુના દીવા ગામની હદમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલી રહી છે. જોકે સ્થાનિક ખેડૂતોએ સરકાર દ્વારા જમીન સંપાદનના બદલામાં જે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. તે અત્યંત ઓછી હોય સ્થાનિક ખેડૂતોએ કામગીરી અટકાવી દીધી હતી. એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં સરકાર ૨૦૧૧માં જે જંત્રી અમલી હતી તે પ્રમાણે જમીન ગુમાવનારા ખેડૂતોને વળતર ચૂકવવાની વાતો કરે છે જે અન્યાયકર્તા છે અને ખેડૂતોને સ્વીકાર્ય નથી જાહેર હેતુ માટે સંપાદિત જમીન માટે ખેડૂતોને માર્કેટ વેલ્યુ પ્રમાણે ચુકવણી કરવી એવો કલમ ૨૨ મુજબ સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં સરકાર ખેડૂતોને જમીનના બદલામાં કોડીના ભાવે વળતર ચૂકવવાની વાતો કરે છે જે સ્વીકાર્ય નથી
સરકાર ૨૦૧૮માં સંપાદન કરેલ જમીન માત્ર ૧૫૦ રૂપિયા પ્રતિ સ્કવેર મીટર એવોર્ડ તરીકે ચૂકવવામાં આવે છે. તેનો સ્થાનિક ખેડૂતોએ સખત વિરોધ કર્યો છે સરકાર પોલીસ પ્રોટેક્શનની આડમાં સસ્તામાં જમીન હડપ કરવા માંગે છે. તે કોઈ કાળે શક્ય બનશે નહીં એમ ખેડૂત પ્રતિનિધિ નિકુલ પટેલ એ ભારપૂર્વક જણાવ્યું હતું
દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી સાથે આ અંગે ખેડૂતોની ચર્ચા થઈ હતી. જે મુજબ જિલ્લા કલેકટર સાથે વાટાઘાટ બાદ સંતોષકારક નિવેડો આવે અને ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળે તો જ હાઇવેની કામગીરી આગળ ચલાવવા દેવાશે તેવી સ્પષ્ટ ચીમકી દીવા ગામના ખેડૂતોએ આપી હતી.