(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૫
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભુપેન્દ્રસિંહ હૂડાના રોહતક સ્થિત નિવાસસ્થાને સીબીઆઇએ શુક્રવારે સવારે દરોડો પાડ્યો છે.સીબીઆઇની ટીમોએ દિલ્હી-એનસીઆર, ગુડગાંવ, ચંદીગઢ અને મોહાલીમાં એક સાથે ૩૦થી વધુ સ્થળોએ પણ દરોડા પાડ્યા છે. દરમિયાન, જમીન સંપાદનમાં ગેરરિતીઓના સંદર્ભમાં હૂડા સામે સીબીઆઇએ શુક્રવારે એક નવો કેસ નોંધ્યો છે. આ કેસ ગુરૂગ્રામમાં૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન ૧,૪૧૭ એકર જમીનના સંપાદન સાથે સંબંધિત છે. આરોપી સામે કલમ ૧૨૦બી, ૪૨૦ અને ૧૩ (૨) હેઠળના આરોપો મુકવામાં આવ્યા છે. કેસમાં આઇએએસ અધિકારી, એચયુડીએના ભૂતપૂર્વ મુખ્ય વહીવટકર્તા ટીસી ગુપ્તા અને ૧૫ ખાનગી માલિકોના નામ આપવામાં આવ્યા છે. સીબીઆઇના દરોડા અંગે પ્રતિક્રિયા આપતા હૂડાએ જણાવ્યું કે સીબીઆઇની ટીમ તપાસ કરવા માટે આવી હતી પરંતુ તેને કશું જ મળ્યું નથી. લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, તેઓ મારો અવાજ દબાવી શકશે નહીં, હું લડીશ. ં હૂડાએ સીબીઆઈના દરોડાને ‘રાજકીય બદલા’નું કૃત્ય ગણાવીને એક નિવેદનમાં જણાવ્યું કે આ રાજકીય બદલાનું પરિણામ છે. હું મારી જાતે આ યુદ્ધ લડીશ. ન્યાયતંત્રમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. કોઇ પણ મારો અવાજ દબાવી શકશે નહીં. સૂત્રોએ જણાવ્યું કે હૂડના નિવાસસ્થાને સીબીઆઇ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે ભુપેન્દ્રસિંહ હૂડા ઘરે જ હતા. સીબીઆઇના અધિકારીઓએ કોઇને પણ ઘરમાં કે ઘરમાંથી બહાર જવા દીધા ન હતા.