(એજન્સી) તા.૬
ફેબ્રુઆરી ર૮ અને ૧ માર્ચ ર૦૦ર વચ્ચેની રાત્રીએ જ્યારે ગુજરાત ભડકે બળી રહ્યું હતું ત્યારે લેફટનન્ટ જનરલ ઝમીરૂદ્દીન શાહે તે સમયના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝની હાજરીમાં રાત્રે બે વાગે અમદાવાદમાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને સેનાની તાત્કાલિક જરૂરિયાતોની એક યાદી સોંપી કે જેથી સેના તરત જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરીથી લાગુ કરવાના પ્રયત્નોમાં જોડાઈ જાય પરંતુ ગુજરાતના વહીવટી તંત્રએ ૧ માર્ચ સવારે સાત વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા ૩૦૦૦ સૈનિકોને પરિવહન સુવિધા માટે એક દિવસ રાહ જોવાનું કહ્યું, જે દરમિયાન થયેલી હિંસામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિવૃત્ત થયેલા ઝમીરૂદ્દીન શાહે આ વાતનો ખુલાસો તેમની સંસ્મરણકથા ‘ધ સરકારી મુસલમાન’માં કર્યો હતો જેનું વિમોચન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા કરવામાં આવ્યું હતું. એક અહેવાલ પ્રમાણે ઝમીરૂદ્દીન શાહે એક લેખમાં લખ્યું છે કે ગુજરાત સરકારે ર૮ ફેબ્રુઆરી, ર૦૦રના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રક્ષા મંત્રાલયને સેના મોકલવાની વિનંતી કરી. તેમણે જણાવ્યું હતું કે, ર૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ વચ્ચેની રાત્રી મહત્તવપૂર્ણ હતી. મેં રાત્રે ર વાગે મુલાકાત કરી હતી. ૧ માર્ચની વહેલી સવારથી સેના અમદાવાદ એરપોર્ટ પર હતી પરંતુ ર માર્ચે તેને પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવી ત્યાં સુધી ઘણો વિનાશ થઈ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો અમને સમયસર વાહનો મળી ગયા હોત તો વિનાશની તીવ્રતા ઘટાડી શકાઈ હોત. જે કામ પોલીસ છ દિવસમાં ન કરી શકી તે કામ સેનાએ ૪૮ કલાકમાં કરી દીધું, જ્યારે સંખ્યાબળની દૃષ્ટિએ અમે પોલીસ કરતાં છઠ્ઠા ભાગના હતા. અમે ૪ માર્ચે ફક્ત ૪૮ કલાકમાં ઓપરેશન પૂર્ણ કરી દીધું પરંતુ જો પેલા મહત્ત્વના કલાકો ન વેડફાયા હોત તો અમે ર માર્ચે તેને પૂર્ણ કરી દીધું હોત.
ર૦૦રના ગુજરાત રમખાણો : નરેન્દ્ર મોદીના કારણે સેનાએ વાહનોની રાહ જોવામાં એક મહત્ત્વનો દિવસ ગુમાવ્યો : લેફ. જ. ઝમીરૂદ્દીન શાહ

Recent Comments