(એજન્સી)       જમ્મુ, તા.૨૨

જમ્મુ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ખાતે લદ્દાખની તબીબી વિદ્યાર્થિનીની છેડતી કરનાર એક અધ્યાપકનો બચાવ કરવાનો આક્ષેપ કરીને વિરોધ પક્ષોએ જમ્મુ-કાશ્મીર વિધાનગૃહના કૂપમાં ધસી જઇને સૂત્રોચ્ચાર પોકાર્યા બાદ વિરોધ પક્ષના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

બેનરો અને પત્રિકાઓ લઇને વિરોધ પક્ષના સભ્યોએ એવી માગણી કરી હતી કે મેડિકલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી કરનાર આરોપી ડો.ભુમેશ ખજુરીઆની હકાલપટ્ટી કરવી જોઇએ. લદ્દાખના કોંગ્રેસી ધારાસભ્ય નવાંગ રિગ્ઝીન ઝોરાએ સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારની આ મુદ્દે ચૂપકીદી સામે સવાલ ઉઠાવતા વિરોધ પક્ષના અન્ય સભ્યો પણ તેમની સાથે જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું.

જુનિયર આરોગ્ય પ્રધાન આશિયા નકાશે આ બાબતમાં દરમિયાનગીરી કરીને જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરવામાં આવેલ આરોપી વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સંસદીય બાબતોના પ્રધાન અબ્દુલ રહેમાન વીરીએ જણાવ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને અમે તેમાં સઘન તપાસ કરી રહ્યા છીએ. આ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને કાયદો કાયદાનું કામ કરશે. જો કે વિરોધ પક્ષના સભ્યોએ ડો.ભુમેશને સેક્સ્યુલ રીતે વિકૃત ગણાવીને સૂત્રોચ્ચાર વચ્ચે ગૃહમાંથી સભા ત્યાગ કરી ગયા હતા. ઝોેરાએ વધુમાં જણાવ્યું હતું કે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં આવા સેક્સ્યુલ વિકૃતોની એક ગેંગ છે અને ડો.ભુમેશ તેના સૂત્રધાર છે.

ડો.ભુમેશ અવાર-નવાર યૌન અપરાધોમાં સંડોવાયેલા છે અને સમાજના નીચલા વર્ગની ઘણી યુવતીઓએ આવા વિકૃતોથી પોતાના કૌમાર્યનું જતન કરવા માટે અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડ્યો છે. તેમની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે છતાં તે મુક્તપણે ફરી રહ્યો છે. ભુમેશ જેલમાં હોવો જોઇએ કારણ કે તે વિદ્યાર્થિનીઓ અને હોસ્પિટલના સ્ટાફની સુરક્ષા માટે ખતરારૂપ છે એવું ઝોરાએ જણાવ્યું હતું. ઝોરાએ જણાવ્યું હતું કે છેડતી કરનાર ડો.ભુમેશના પિતા આરએસએસ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાથી આ કેસમાં તપાસ અવરોધાશે.