(એજન્સી) તા.૬
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના વડપણ હેઠળ નવી સરાકર રચવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે ગઠબંધન સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેવાની ભાજપની સુયોજિત યોજના હતી આને ૨૦૧૯ની લોકસભઆ ચૂંટણી માટેની તેની રણનીતિના ભાગરુપે પીડીપીમાંથી ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું હતું.
૨૦ જૂનના રોજ રાજ્યપાલનું શાસન લાદવામાં આવ્યું હતું અને વિધાનસભાને સુષુપ્તાવસ્થામાં રાખવામાં આવી હતી ત્યારે જ એવી અટકળો વહેતી થઇ હતી કે હવે પક્ષાંતરને પ્રેરિત કરવામાં આવશે અને નવી સરકાર રચાશે.
રાજ્યપાલના શાસનના એક જ પખવાડિયામાં હવે નવી વ્યવસ્થા સાકાર થવા લાગી છે. કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપ દ્વારા પ્રોત્સાહિત વારસાગત શાસનની વિરુદ્ધ બળવો પોકારનાર છે. આ સરકાર ભાજપના વડપણ હેઠળ રચાશે એવું આ પ્લાનના ભાગરુપ રહેલા લોકોનું કહેવું છે. જાણીતા શિયા મૌલવી અને પીડીપીના વરિષ્ઠ નેતા તેમજ મહેબુબા મુફ્તી કેબિનેટના પૂર્વ પ્રધાન ઇમરાન રઝા અંસારીએ આ પ્લાનને સમર્થન આપ્યું છે.
ભાજપને પીપલ્સ કોન્ફરન્સના સજાદ ગનીના સમર્થનની ખાતરી આપવામાં આવી છે કે જેના વિધાનસભામાં અત્યારે બે સભ્યો છે. એ જ રીતે ભાજપના પોતાના ૨૫ ધારાસભ્યો છે અને નવી સરકાર રચવા માટે તેને ૧૭ વધુ ધારાસભ્યોનો ટેકો જરુરી છે. અંસારીએ જણાવ્યું હતું કે અમે જમ્મુ અને કાશ્મીરમાં અબ્દુલ્લા અને મુફ્તીના પારિવારીક શાસનથી છૂટકારો મેળવવા માગીએ છીએ. અબ્દુલ્લા અને મુફ્તીઓ સગાવાદને પ્રોત્સાહિત કરીને લોકોને છેતરી રહ્યા છે. અમારી પાસે તમામ પક્ષોના સમાન વિચારસરણી ધરાવતા સભ્યો છે કે જેઓ આ બંને પરિવારોથી ત્રાસી ગયા છે. તેઓ ત્રીજું બળ ઊભું કરવા હાથ મિલાવશે.
અંસારીએ વધુમાં ઉમેર્યુ હતું કે અંગત રીતે હું નવેસરથી ચૂંટણીની તરફેણમાં છું પરંતુ જો આ બે પરિવારો વગર જો સરકાર રચાતી હોય તો હું સમર્થન આપીશ. પીડીપીના એક બીજા ધારાસભ્ય મોહંમદ અબ્બાસે પણ પીડીપી સાથે છેડો ફાડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. એવું કહેવાય છે કે વર્તમાન પક્ષાંતર વિરોધી કાયદો જો ૧-૩ ધારાસભ્યો પક્ષાંતર કરે તો નવી સરકાર રચવા આડે અવરોધ ઊભો થઇ શકે નહીં. કોંગ્રેસ, પીડીપી અને એનસીના પક્ષપલ્ટુઓ નવો પક્ષ રચશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી પરંતુ ભાજપમાં આ ધારાસભ્યો જોડાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.