(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ પર કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને તમામ અરજીઓના જવાબ આપવા માટે ૨૮ દિવસનો સમય આપ્યો છે. હવે આ મામલા અંગે ૧૪ નવેમ્બરે સુનાવણી કરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી આ મામલા અંગે કોઈ નવી અરજી નોંધવામાં આવશે નહીં. મહત્વનું છે કે ૩૧ ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે અને લદ્દાખ પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે.
સોમવારે સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓને મુખ્ય કેસ સાથે જોડી દેવામાં આવી છે. જેના પર મંગળવારે સુનાવણી થશે. આ અગાઉ ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને બે અઠવાડિયામાં કાશ્મીરની સ્થિતિ પર જવાબ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે સોગંદનામુ દાખલ કરીને જણાવો કે રાજ્યમાં હાલાત ક્યાં સુધીમાં સામાન્ય થશે. કોર્ટે સરકારને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય જનજીવન સુનિશ્ચિત કરો. પરંતુ આ અંગે રાષ્ટ્રીય સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવે. આ મામલો ઘણો ગંભીર છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી રાજ્યની સ્થિતિ વિશે કરવામાં આવેલી ૨૦થી વધુ અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. આ અરજીઓમાં અનુચ્છેદ ૩૭૦ને રદ કરવા, પત્રકારો અને ખીણ વિસ્તારમાં લાગેલા પ્રતિબંધોને પડકાર કરવામાં આવ્યો છે. આ પહેલાં સોમવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે ૨૦થી વધારે અરજીઓ બંધારણીય બેન્ચને સોંપી છે. જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. અરજી કરનારાઓમાં એક એડિટર અનુરાધા ભસીન, સમીર કૌલ, સીતારામ યેચુરી, બાળ અધિકાર સંરક્ષણ કાર્યકર્તા ઈનાક્ષી ગાંગુલી અને પ્રોફેસર શાંતા સિન્હા સામેલ છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલાને છોડવાની માંગણી કરતી અરજી ફગાવી દીધી છે. નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોન, હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ હસનૈન મસુદી, પૂર્વ આઈએએસ શાહ ફૈસલ, સામાજિક કાર્યકર્તા શેહલા રશીદ, વકીલ એમએલ શર્મા સહિત ૧૫ લોકોએ અનુચ્છેદ-૩૭૦ હટાવવા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ની બંધારણીય કાયદેસરતાને પડકાર આપ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગની પહેલી અધ્યક્ષ પ્રોફેસર શાંતા સિન્હા, સામાજિક કાર્યકર્તા ઈનાક્ષી ગાંગુલીએ બાળકોની અટકાયતનો મુદ્દો ઉઠાવ્યો છે. માકપા નેતા સીતારામ યેચુરીએ આરોપ લગાવ્યો છે કે, તેમની પાર્ટીના એક નેતાને બંધક બનાવવામાં આવ્યા છે. તેમને મુક્ત કરવામાં આવે. કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો અને ત્યાં જવાની મંજૂરી વિશે અરજી દાખલ કરી છે.