(એજન્સી) શ્રીનગર,તા. ૨૭
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કથળતી જતી સુરક્ષાની સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. આ વિસ્તારમાં શાંતિની સ્થાપના કરવા માટે કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધનો તેનો પ્રતિભાવ ઘડવો પડશે. કાશ્મીરમાં ફરી એક વાર કાયરતાપૂર્વકનું કૃત્ય કરીને લશ્કરના એક જવાનનું અપહરણ કર્યા બાદ તેમની ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. મૃતક જવાનનો મૃતદેહ પુલવામાંથી મળ્યો હતો. જવાનને એકદમ નજીકથી ગોળી મારવામાં આવી હતી. શહીદ જવાનની ઓળખ ઈરફાન તરીકે થઈ છે જે ગતરોજ રજા પર ઘેર આવ્યો હતો. અબ્દુલાએ કાશ્મીર વિવાદ પર કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિશેષ પ્રતિનિધિ દિનેશ્વર શર્માની નિયુક્તીને લોકો સાથેની એક ઓપચારિકતા તરીકે ગણાવી. અને કહ્યું કે જ્યારે પ્રામાણિકપણે અને ગંભીર પ્રયાસો કરવામાં આવશે ફક્ત ત્યારે જ આ વિસ્તારમાં શાંતિ સ્થપાશે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં લગાતાર થઈ રહેલી હત્યાઓને જોતાં શાંતિનો દાવો ખોટો પડી રહ્યો છે. વધુ એક જવાનનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી.નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે કહ્યું કે સરહદ પારથી થઈ રહેલી ઘુસણખોરીને કારણે રાજ્યમાં સુરક્ષાનો ગંભીર પ્રશ્ર ખડો થયો છે. તેેમણે કહ્યું કે ગઠબંધન સરકાર લોકોની આશાએ ખર ઉતરી શકી નથી તેથી લોકોને હવે વ્યર્થ જનાદેશનું ભાન થઈ રહ્યું છે. આગામી પંચાયત ચૂંટણીના સંદર્ભમા બોલતાં તેમણે કહ્યું કે સરપંચની આડકતરી ચૂંટણી દ્વારા લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ ગઠબંધન સરકાર કરી રહી છે. તેમણે કહ્યું કે આ જમીની સ્તરે લોકશાહીની ભાવનાની વિરૂદ્ધમાં છે.
જમ્મુ-કાશ્મીરમાં કથળતી જતી સુરક્ષાની સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય : ફારૂક અબ્દુલ્લાહ

Recent Comments