(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
જમ્મુ અને કાશ્મીરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં ધસમસતા પાણીના પ્રવાહે ભયજનક સપાટી વટાવી જતા ત્રાટકેલા વિનાશક પૂરે ૩ લોકોનો ભોગ લીધો છે અને સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. પ્રશાસને ૧૨મા ધોરણ સુધીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ખીણના બધા જ જિલ્લાઓમાં પૂર નિયંત્રણ સેલ અને હેલ્પલાઇન સ્થાપિત કરી દેવામાં આવી છે. સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ વ્યક્તિગત રીતે રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓમાં લાગી ગયા છે. દરમિયાન, ભારે વરસાદ અને નવેસરથી ભૂસ્ખલનને કારણે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા અટકી ગઇ છે અને ઘણા યાત્રાળુઓ અટવાઇ ગયા છે. સત્તાવાળાઓ દ્વારા જમ્મુના ભગવતીનગર યાત્રીનિવાસથી યાત્રાળુઓના કોઇ પણ વાહનને ખીણ તરફ જવા દેવામાં આવ્યા નથી. જ્યારે ઉત્તર ભારતમાં ભારે વરસાદના અનુમાનને પગલે ઘણા રાજ્યોમાં હાઇએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ખીણમાં પૂરની જાહેરાત કરી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલે ટોચના અધિકારીઓ સાથે તાકીદે બેઠક યોજીની પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પુરતા પગલાં ભરવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. રાજ્યપાલના સલાહકાર બીબી વ્યાસે જણાવ્યું કે અત્યાર સુધી જમ્મુ પ્રદેશમાંથી પૂરમાં ૩ લોકો માર્યા ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અવિરત વરસાદ અને તોફાની હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે કાશ્મીર વિભાગની બધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ભરાઇ જવાની સમસ્યા હોવાથી સત્તાવાળાઓ દ્વારા લોકો માટે ૪૪ કેમ્પ બનાવવામાં આવ્યા છે.