(એજન્સી) શ્રીનગર, તા.ર૪
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ દ્વારા થયેલા ગ્રેનેડ હુમલામાં ૧ર વર્ષીય કિશોર સહિત ૧૦ લોકો ઘાયલ થયા હતા જ્યારે ખીણ પ્રદેશમાં અભ્યાસ ટ્રીપ માટે ગયેલ મહારાષ્ટ્રના પાંચ ધારાસભ્યોના આબાદ રીતે બચાવ થયો હતો. બીજબહેરામાં આતંકવાદીઓ દ્વારા પોલીસવાહન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ નિશાન ચૂકી જતા પદયાત્રીઓ આ હુમલામાં લક્ષ્ય બન્યા હતા. મહારાષ્ટ્રના પાંચ ધારાસભ્યો વિક્રમ કાલ, અને દીપક ચૌહાણ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) તુકારામ કેત અને કિશોર પાટિલ (શિવસેના) અને સુધર પારવી (ભારતીય જનતા પાર્ટી) જેઓ જમ્મુના અભ્યાસ પ્રવાસે હતા. તેઓ થોડા સમયના અંતરથી ગ્રેનેડ હુમલાથી બચી ગયા હતા. આ ગ્રેનેડ હુમલો થયો ત્યારે ધારાસભ્યો સરકારી અધિકારીઓ અને કેટલાક પરિવારજનો સહિત ર૦ લોકોની શૈક્ષણિક ટીમ ‘પંચાયત રાજ’ સિસ્ટમનો અભ્યાસ કરીને બીજબહેરાથી શ્રીનગર પરત ફરી રહી હતી ત્યારે તેમણે આ અવાજ સાંભળ્યો હતો. સાંસદોએ જણાવ્યું કે તેઓ ગ્રેનેડ હુમલાના અવાજને પ્રથમ બસના ટાયર ફાટવાનો અવાજ સમજ્યા હતા પરંતુ સ્થાનિક ડ્રાઈવરે બસ રોક્યા વગર હંકારી મૂકી હતી. અને હુમલાના થોડેક જ દૂર ઊભી રાખી હતી. તેમણે જણાવ્યું કે, તેમની સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયા હતા અને તેઓ શુક્રવારે મુંબઈ પાછા ફર્યા હતા. એમ પોલીસ પ્રવક્તા કાલે જણાવ્યું હતું.