(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૭
જામનગર-ધ્રોલ ધોરીમાર્ગ પર આજે સવારે જામજોધપુર તાલુકાના જીણાવારી ગામના પાંચ યુવાનો હોસ્પિટલના કામે રાજકોટ જવા ઈકો મોટરમાં પસાર થતા હતાં ત્યારે ડ્રાયવરને ઝોંકુ આવી જવાના કારણે મોટર ઉંડ-૧ ડેમની કેનાલમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક યુવાનને ગંભીર ઈજા થઈ હોય સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલા સોયલ ટોલનાકા અને ફલ્લા વચ્ચેના, ફલ્લાથી ચાર કિ.મી. દૂર આવેલા ધ્રાંગા ગામના પાટીયે આજે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વધુ વિગત મુજબ તે સ્થળેથી જામજોધપુર તાલુકાના જીણાવારી ગામના ચાર યુવાનો એક ઈકો મોટરમાં હોસ્પિટલના કામથી રાજકોટ તરફ જતા હતા ત્યારે ત્યાં ઈકો મોટરના ચાલકને ઝોંકુ આવી જતા ફૂલસ્પીડમાં દોડી રહેલી જીજે-૧૦-ટીક્યુ-૮૫૧૭ નંબરની ઈકો મોટર ઉંડ-૧ ડેમની કેનાલમાં ખાબકી હતી.
આ મોટરમાં રહેલા પાંચેય વ્યક્તિઓની ચીસોથી ધોરીમાર્ગ ગાજી ઉઠ્યો હતો. ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકો થંભી જઈ બચાવ કામગીરી શરૃ કરવા ઉપરાંત પોલીસ તેમજ એમ્બ્યુલન્સને વાકેફ કરી હતી. વિગતો મળતા જ ૧૦૮નો સ્ટાફ ધસી ગયો હતો. ઊંચાઈ પરથી કેનાલમાં ખાબકેલી મોટરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમાંથી વારાફરતી પાંચ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાના ચાર વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. જ્યારે પાંચમાં વ્યક્તિને તાત્કાલીક ૧૦૮ મારફતે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા છે. જીણાવારી ગામના ધીરૂભાઈ ભીમાભાઈ કદાવલા નામના યુવાનને ધ્રોલમાં તબીબોએ તાકીદે સારવાર આપવાનું શરૂ કર્યું છે.
આ અકસ્માતમાં જામજોધપુર તાલુકાના જીણાવારી ગામના હરેશભાઈ અરજણભાઈ કરથીયા (ઉ.વ. ૨૮), રસીકભાઈ ભીમાભાઈ કદાવલા (ઉ.વ. ૩૫), નારણભાઈ કરશનભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૫) તેમજ ટપુભાઈ કાનાભાઈ કારેણા (ઉ.વ. ૪૫) નામના ચાર યુવાનોનાં મૃત્યુ નિપજ્યા હતા.