જામનગર, તા.૨૫
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાયવા ગામ પાસે આજે જામનગરના રબારી પરિવારની સુરેન્દ્રનગર તરફ જતી સ્વીફટ મોટર સાથે સામેથી ડિવાઈડર ઠેકીને આવેલી વર્ના મોટરે અકસ્માત સર્જતા ત્રણ વ્યક્તિઓના ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયા છે. જ્યારે બેને ગંભીર ઈજા થઈ છે અને ત્રણેક વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આજે સવારે સાડા દસેક વાગ્યે જામનગરથી સુરેન્દ્રનગર તરફ જતી જામનગરના રબારી પરિવારની ૭૯૨ નંબરની સફેદ સ્વીફ્ટ ડિઝાયર મોટર પૂરઝડપે પસાર થઈ હતી. જ્યારે સામેથી આવી રહેલી જી.જે.-૧૦-સી.જી.-૭૫૫૯ નંબરની વર્ના કાળા રંગની મોટર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે ધોરીમાર્ગ માનવ ચીસોથી ગાજી ઉઠયો હતો. અકસ્માતના કારણે સ્વીફ્ટનો બોનેટથી માંડીને ડ્રાઈવર સીટ સુધીનો ભાગ સંપૂર્ણ રીતે તહસનહસ થઈ ગયો હતો. જ્યારે સ્વીફટની જબરદસ્ત ટક્કરથી વર્ના પલ્ટી મારી રોડ નીચે ઉતરી ઉંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં જામનગરથી સુરેન્દ્રનગર જતાં રબારી પરિવારના સ્વીફટમાં રહેલા ચાર અને વર્નામાં સામેથી આવી રહેલા અંદાજે ચાર મળી કુલ આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકીના કુલ ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી તે દરમ્યાન અંદાજે સવા અગિયાર વાગ્યે બનાવના સ્થળે પહોંચી ગયેલી ૧૦૮ના ઈજાગ્રસ્તોને મૂકી બંને એમ્બ્યુલન્સ રાજકોટ દવાખાને રવાના થઈ ગઈ હતી.