જામનગર, તા. ૨૧
જામનગરની રવિ ટાઉનશીપમાં એક મકાનમાં તેમજ સિક્કા પાટિયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં થયેલી ચોરી ઉપરાંત અન્ય છ ચોરીઓનો ભેદ એલસીબીએ ઉકેલી કુખ્યાત ઘરફોડ અને તેના સાગરિતની અટકાયત કરી છે. વધુ બે આરોપીઓના નામ ખૂલ્યા છે. એલસીબીએ સોળ મોબાઈલ અને રૂા.૩ર૦૦ રોકડા ઝબ્બે લીધા છે.
જામનગરના સિક્કા પાટિયા પાસે આવેલા ટ્રાન્સપોર્ટની ઓરડીમાં ગઈ તા.૧૩ની રાત્રે નિદ્રાધીન થયેલા દરિયાસિંઘ જાટના ચાર્જિંગમાં મૂકવામાં આવેલા ત્રણ મોબાઈલ ચોરાઈ ગયાની તેમજ ઢીંચડા રોડ પર આવેલી રવિ ટાઉનશીપમાં વિજયસિંહ લખમીસિંહ ચૌધરી નામના આસામીના મકાનમાં પણ રોકડ, મોબાઈલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
આ બાબતની ખાનગીરાહે તપાસ કરી રહેલી એલસીબીના સ્ટાફના દિલીપ તલાવડિયા તથા પ્રતાપ ખાચરને બાતમી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હનીફ હુસેન વાઘેર ઉર્ફે હનફો ચોર તથા તેના સાગરિત અકબર ઓસમાણ વાઘેરે ઉપરોકત ચોરીઓ કરી છે અને આ શખ્સો દિગ્જામ મીલ પાસે આવ્યા છે. બાતમીના આધારે ઉપરોકત બન્નેને અટકાયતમાં લઈ એલસીબી કચેરી ખસેડવામાં આવ્યા હતા.
આ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેઓએ ઉપરોકત બે ચોરી ઉપરાંત અન્ય પાંચ ચોરી જેમાં મોબાઈલ, રોકડ વગેરેની ચોરીઓ કબૂલી પોતાના અન્ય સાગરિત જોડિયા ભુંગાના ફિરોઝ આમદ સાયચા તથા બેડીના ઉમર લાડુ નામના શખ્સોના નામ આપ્યા છે. અગાઉ પાંત્રીસ જેટલી ચોરીના ગુનામાં ઝડપાયેલા હનફા સહિતના બે શખ્સોની એલસીબીએ ઘનિષ્ઠ પૂછપરછ આરંભીછે.