જામનગર, તા. ર૭
જામનગરમાં દિન-પ્રતિદિન વકરી રહેલા ડેન્ગ્યૂનો રોગચાળો અંકુશમાં આવતો નથી જ્યારે ગાંધીનગરથી એપેડેમિક અધિકારી જામનગર દોડી આવ્યા છે અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન વધુ ર૪ દર્દીઓ ડેન્ગ્યૂના નોંધાયા હતાં. છેલ્લા બે માસમાં સાડાપાંચસો દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડ્યો છે. દરમ્યાન એક મહિલા દર્દીનું ડેન્ગ્યૂની બીમારીમાં મૃત્યુ થયું છે.
એક જ દિવસમાં અને માત્ર સરકારી જી.જી. હોસ્પિટલમાં ર૪ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સઘન સારવાર શરૃ કરવામાં આવી છે.
જામનગરમાં રોગચાળાને અંકુશમાં લેવામાં સ્થાનિક શહેર, જિલ્લાનું તંત્ર નિષ્ફળ જતા રાજ્યના આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડો. દિનકર રાવલ જામનગર દોડી આવ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
બે-ચાર દિવસ તાપ જળવાયા પછી ફરી વખત આજે સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે અને અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે. આથી ફરી વખત રોગચાળાને પણ વેગ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. દરમ્યાન ગત બુધવારે તાવની સારવાર માટે હોસ્પિટલ દાખલ થયેલા દેવીબેન (શાપર)નું ગત સાંજે મૃત્યુ થયું હતું. જ્યારે આજે તેમનો લેબોરેટરી રિપોર્ટ મળ્યો છે તેમાં તેઓને ડેન્ગ્યૂ પોઝિટિવ હોવાનું જણાયું છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યૂમાં કુલ પાંચ દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.
વકરેલા રોગચાળા અંગે વિપક્ષી નેતા દ્વારા કમિશનરને આવેદન
મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું.
જામનગર શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આમ શહેરનું આરોગ્યતંત્ર રોગચાળો અંકુશમાં લેવા સદંતર નિષ્ફળ ગયું છે તેવા આક્ષેપ સાથે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, એક જ દિવસમાં પ૩ કેસ નોંધાયા છે તેના માટે જવાબદાર કોણ?
જો આગામી પાંચ દિવસમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મહાનગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે. આ રોગમાં કોઈનું મૃત્યુ થશે તો તે માટે ભાજપના સત્તાધીશો અને અધિકારી જવાબદાર રહેશે.
આ આવેદનપત્ર પાઠવતી વેળાએ વિપક્ષી નેતા અલ્તાફ ખફી ઉપરાંત કોર્પોરેટર જેનમબેન ખફી, જેતુનબેન રાઠોડ, દેવસી આહિર, કોંગ્રેસના દિગુભા જાડેજા વગેરે જોડાયા હતાં.