જામનગર, તા.ર૮
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાંથી રાત્રે બાળકોને ઉપાડી જવા માટે બે મહિલાઓ આવી હોવાની અફવા ફેલાયા પછી દોડી આવેલા પોલીસ કાફલાએ તે મહિલાઓને પોલીસ સ્ટેશન ખસેડી મામલાના ઉંડાણ સુધીની તપાસ કરતા આ બાબત અફવા પુરવાર થઈ છે. પોતાની પાળેલી બિલાડી શોધવા માટે દોડતી માતા-પુત્રી પર સેવાતી શંકા અંગે પોલીસે મંથન કર્યા પછી આ બાબત અંગે નિવેદનો નોંધ્યા છે.
જામનગરના હવાઈ ચોક વિસ્તાર પાસે આવેલી એક હોટલ નજીકથી રાત્રે અગિયારેક વાગ્યે પસાર થતી એક યુવતી તથા તેણીની માતાને આર્યસમાજ શાળા પાસે આવેલા કુંભારવાડામાં બાળકને ઉપાડવા માટે આવી હોવાની આશંકાથી કેટલાક લોકોએ રોકી લઈ પોલીસને જાણ કરી હતી. જાણના પગલે દોડેલા સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે બન્ને વ્યક્તિઓને પોલીસ સ્ટેશને ખસેડયા હતા.
ઉપરોક્ત બનાવની જાણ નગરભરમાં લાકડિયા તારની માફક થતા હવાઈ ચોક તેમજ દરબારગઢ સ્થિત સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશને લોકોની ઉત્સુકતાવશ ટોળા ઉમટી પડયા હતા. આ યુવતી તથા મહિલાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પછી ઈન્ચાર્જ પીઆઈ પાંડોરને જાણ કરવામાં આવતા તેઓ પણ ધસી આવ્યા હતા, ગભરાઈ ગયેલી બન્ને મહિલાઓની પોલીસે ધીરજપૂર્વક પૂછપરછ હાથ ધરતા આ બનાવ અંગે અલગ જ વિગતો બહાર આવી છે.