જામનગર, તા.૧૫
જામનગરના ચાંદીબજારમાં આવેલી મતવા શેરીમાં સોની વેપારીઓ પાસેથી દાગીના બનાવા માટે ગાળવા આવેલી ચાંદીની ચોરી થઈ છે. ત્યાં આવેલી એક રિફાઈનરીના ઉપરના ભાગમાં રહેલા સિમેન્ટના પતરા તોડી રાત્રિના ૨ વાગ્યા પછી તસ્કર હાથફેરો કરી ગયા છે. અંદાજે રૃા. પંદરેક લાખની ચાંદી ચોરાઈ ગયાનું જાણવા મળ્યું છે. પોલીસે એફએસએલ, ડોગ સ્કવોર્ડની મદદ મેળવી છે.
જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલા બુગદાની અંદરની મતવા શેરીમાં સંદીપ શાળુકે નામના મહારાષ્ટ્રીયન આસામીની બોમ્બે રિફાઈનરી નામની ચાંદી ગાળવાની ભઠ્ઠી આવેલી છે. ચાંદીબજારમાં તેમજ અન્ય સ્થળે સોના-ચાંદીનો વ્યવસાય કરતા સોની વેપારીઓ પાસેથી સંદીપને ચાંદીની પાટો ગાળવા માટે આપવામાં આવે છે. મજુરીકામથી ચાંદી ગાળી આપવાનું સંદીપ અને તેના અન્ય કારીગરો કામ કરે છે. તે દરમ્યાન ગઈકાલ સુધીમાં આવેલા ચાંદીના પાટોના કેટલાક જથ્થાને ગાળવાની કામગીરી કરવામાં આવી હતી. તે કામ રાત્રિના બે વાગ્યા સુધી સંદીપ તથા તેના માણસોએ કર્યા પછી મોડી રાત્રે તે તમામ કારીગરો પોતાના ઘર તરફ રવાના થયા હતા જ્યાંથી આજે સવારે સંદીપ પોતાની રિફાઈનરીએ પહોંચતા રાત્રિથી સવાર સુધીના સમયગાળામાં છતમાં રહેલા સિમેન્ટના પતરા તોડી કોઈ તસ્કરો ત્રાટક્યા હોવાનું જણાઈ આવ્યું હતું. રિફાઈનરીમાં પ્રવેશતા જ પતરા તૂટેલા જોઈ ઉચ્ચક શ્વાસે સંદીપે અંદર તપાસ કરતા સોની વેપારીઓ પાસેથી ગાળવા માટે આવેલી ચાંદીની કેટલીક પાટો ગુમ જોવા મળી હતી. આથી અંદાજે ત્રીસ-પાંત્રીસ કિલો વજનની એટલે કે અંદાજે રૃા. પંદરેક લાખની કિંમતની ચાંદી ચોરાઈ ગયાનું જણાઈ આવ્યું હતું. સંદીપે આ બાબતની પોલીસને જાણ કરતા સીટી-એ ડિવિઝનના પીઆઈ ટી.એલ.વાઘેલા, પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા તેમજ સ્ટાફ દોડ્યા હતા. આ બાબતની જિલ્લા પોલીસવડાને વિગત આપવામાં આવતા શરદ સિઘલ તેમજ પ્રોબેશનલ એએસપી હસન સફીન સિટી ડીવાયએસપી એ.પી.જાડેજા તેમજ એલસીબી અને એસઓજીનો કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતો. પોલીસે બોમ્બે રિફાઈનરીની ચકાસણી શરૃ કરવા ઉપરાંત એફએસએલ તથા ડોગ સ્કોવર્ડની પણ મદદ મેળવી છે. મજુરી કામથી ચાંદી ગાળવાનો વ્યવસાય કરતા સંદીપ પાસે કેટલા વેપારીઓની કેટલી ચાંદી ગાળવા માટે આવી હતી અને તેમાંથી કેટલો જથ્થો ચોરાયો છે તેની વિગત મેળવવા અને વિધિવત ફરિયાદ નોંધવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.