જામનગર, તા.૨૨
જામનગર અને દ્વારકા જિલ્લાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારે ગઇકાલે ફોર્મ ભર્યા બાદ તેમણે કરેલી એફીડેવીટમાં સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરેલી છે તેમાં સૌથી વધુ પૈસાદાર જામનગર-૭૯ના કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલ પાસે રૂા.૯૦ કરોડની સંપતિ હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઇ હરીદાસભાઇ લાલે ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફીડેવીટમાં રૂા.૬૪.૭૭ કરોડની સ્થાવર મિલકત, વારસામાં મળેલી રૂા.૨.૯૦ કરોડની મિલકત, તેમના પત્ની હીનાબેન પાસે રૂા.૪.૧૩ કરોડની મિલકત, વાહનમાં તેમની પાસે એકમાત્ર ટ્રેકટર છે, રૂા.૩.૨૬ કરોડના અલગ અલગ શેર છે, બેંકમાં રૂા.૫.૫૦ લાખની રકમ છે, રૂા.૩૧ લાખના સોના, ચાંદીના દાગીના છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાજપના ઉમેદવાર આર.સી. ફળદુની મિલકતની વાત લઇએ તો તેમની પાસે રૂા.૪૭ લાખની સ્થાવર, રૂા.૭ લાખની જંગમ મિલકત છે તેમણે ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો છે, તેઓ પાંચમી વખત દાવેદારી કરી રહ્યા છે. જામનગર ઉતર ૭૮ની બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની પાસે રૂા.૭ કરોડની સ્થાવર મિલકત, ૩.૬૧ લાખની જંગમ મિલકત તેમજ અલગ અલગ કંપનીના ૬૧ વાહનો, પત્નીના નામે ૬૫ વાહનો જેમાં હાઇડ્રોલીક બ્રેકર, એસકેલેટર, લોડર, ટીપરવાન, એમ્બ્યુલન્સ સહિતના વાહનો છે. ૭૮-જામનગર ઉત્તરના કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઇ કુંભારવડીયા પાસે રૂા.૧ કરોડ ૬૦ લાખની જંગમ મિલકત અને ૪૯ લાખની સ્થાવર મિલકત છે, તેમ તેમણે એફીડેવીટમાં જણાવ્યું છે. ભાજપના ૮૨-દ્વારકા બેઠકના ઉમેદવાર પબુભા માણેક પાસે રૂા.૧૭.૭૬ કરોડની જંગમ મિલકત તથા રૂા.૬૭.૬૫ કરોડની સ્થાવર મિલકત હોવાનું જણાવ્યું છે. જેમાં જમીન, મકાન, દાગીનાનો સમાવેસ થાય છે. ૮૧-ખંભાળીયાની બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઇ માડમ પાસે રૂા.૫ કરોડની સંપત્તિ છે જ્યારે ૩.૩૯ લાખનું દેવું પણ છે.