જામનગર, તા.૮
જામનગર સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ તેમજ એક અન્ય નાગરિકને પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા છે.
જામનગરના મેહુલનગર વિસ્તારમાં રહેતા કેવિન હિતેશભાઈ રોલા નામના યુવાન સામે થૉડા દિવસ પહેલા સીટી એ-ડિવિઝનને મારકૂટ નોંધાઈ હતી. જો કે કેસની તપાસ દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાઈ હતી. જેના દ્વારા ૧૯ ઓગસ્ટના દિવસે કેવિનની ધરપકડ કરવામાં આવી હતી અને તેજ દિવસે તેને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો પરંતુ જેની ફરીથી ૧૫૧ની કલમ હેઠળ અટકાયત નહીં કરવા માટે પોલીસ કર્મચારી દ્વારા પાંચ હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી. જેથી કેવિન રોલાએ જામનગરની લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે એ.સી.બી. એ જામનગરમાં દિપક સિનેમા પાસે આવેલા દિપક શોપિંગ કોમ્પ્લેક્ષમાં યુવરાજસિંહ જાડેજા નામના ટ્રાવેલ્સના ધંધાર્થીની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવાયું હતું. જેમાં પોલીસ કર્મચારી વતી યુવરાજસિંહ જાડેજા પોલીસ કર્મચારીની હાજરીમાં જ રૂા. ૫૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જે બંનેની ધરપકડ કરી લેવાઈ છે અને બંને સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ બંનેની ધરપકડ કરી અને આ કેસમાં અન્ય કોઈ પોલીસ છે કે તેની તપાસ ચાલુ રહી છે.