જામનગર, તા.૪
જામનગર નજીકના ધુંવાવ પાસે આજે સવારે પૂર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી આરઆર સેલે રાજકોટથી જામનગરમાં મોટર મારફત ઘુસાડાતો અંગ્રેજી શરાબનો જથ્થો કબજે કર્યો છે. આ મોટર મૂકી એક કુખ્યાત શખ્સ નાસી ગયો હતો. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ પાસેથી પસાર થનારી એક મોટરમાં રાજકોટથી અંગ્રેજી શરાબનો ગંજાવર જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવવાનો હોવાની બાતમી ગઈરાત્રે રેન્જ આઈજીની આરઆર સેલના હે.કો.રઘુવીરસિંહ પરમાર તથા ચંદ્રવિજયસિંહ ઝાલાને મળી હતી. આ બાતમીથી સેલના પીએસઆઈ કે.એમ.પટેલને વાકેફ કરવામાં આવ્યા પછી આર.આર.સેલે ધુંવાવ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે ધુંવાવ પાસેથી જીજે-૧૨-સીજી ૬૨૮૧ નંબરની ફોર્ડ ફિયેસ્ટા મોટર પસાર થતા આ મોટરને રોકવા માટે આર.આર.સેલના સ્ટાફે ખાનગી મોટર આડી ઊભી રાખી દીધી હતી. માર્ગમાં આડશ જોઈ ફોર્ડનો ચાલક મચ્છરનગર નજીકના પુનિતનગરમાં રહેતો હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા ઉર્ફે હિતલો વેલ્ડીંગ નામનો શખ્સ તે મોટરમાંથી ઉતરીને નાસી ગયો હતો. જ્યારે મોટર નજીક પહોંચેલી આર.આર.સેલે મોટરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૭૦ બોટલ નીકળી પડી હતી. રૂા.૨.૩૫ લાખની શરાબની બોટલ અને રૂા.૩ લાખની મોટર ઝબ્બે કરી પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધાયો છે. જામનગર તાલુકાના ગાડુકા ગામમાં આવેલા એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે પંચકોશી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એમ. ચાવડા તથા સ્ટાફના શોભરાજસિંહ, રામદેવસિંહ, રણછોડભાઈ વગેરેએ ગાડુકા દોડી જઈ ત્યાં આવેલા બ્રિજરાજસિંહ પરબતસિંહ રાઠોડ ઉર્ફે મુન્નાના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બાવીસ બોટલ મળી આવી હતી. જ્યારે પોલીસના આગમન પહેલા બ્રિજરાજસિંહ નાસી ગયો હતો.