(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૬
જામનગર મહાનગરપાલિકા દ્વારા પાડતોડનું ‘નાટક’ શરૂ કરવામાં આવ્યું છે. મસમોટા ગેરકાયદે બાંધકામો ઉપર રહેમ દૃષ્ટિ રાખી નાના-મોટા ઓટલા, છજા તોડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ટાઉન પ્લાનિંગ શાખાની મહેરબાનીથી મસમોટા ગેરકાયદે બાંધકામો પણ ખડકી દેવામાં આવ્યા છે પરંતુ હવે તેને કોઈ હાથ પણ અડાડતું નથી. હકીકતે આ બાંધકામ ડિમોલિશનના લિસ્ટમાં પણ સામેલ છે પરંતુ અનેક ભ્રષ્ટાચારીએ વહેતી ગંગામાં હાથ ધોયા હોવાથી કોઈપણ અધિકારી તેની સામે જોવાની હિંમત કરતું નથી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૬૯ જેટલા બાંધકામો ગેરકાયદે હોવાનું જાહેર કરી તેને તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી હતી. જેમાં રણજીતસાગર માર્ગે ખડકાયેલા મસમોટા ગેરકાયદે બાંધકામનો પણ સમાવેશ થાય છે પરંતુ ‘લાગવગ’ના કારણે આ બાંધકામ તરફ મહાનગરપાલિકાના અધિકારીની આંખ પણ ફરકતી નથી. બીજી તરફ એસ્ટેટ શાખાએ પાડતોડનું નાટક શરૂ કર્યું હોય, તેમ ઓટલા, છજા વગેરે તોડવામાં આવી રહ્યા છે જ્યારે મોટા ગેરકાયદે બાંધકામો ઉપર કોઈ પગલાં લેવાતા નથી.