(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૪
દોઢેક વર્ષ અગાઉ સસ્પેન્ડ થયેલા જામનગર મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર જે.વી.સેદાણી અને જામનગરના મહિલા ધારાસભ્ય તથા પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી વચ્ચે તાજેતરમાં મોબાઈલ પર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ આજે સવારથી વોટ્‌સએપ પર વાયરલ થતાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઓડિયો ક્લિપમાં અધિકારીને એવું કહેતા સંભળાયા છે કે મેં ભાજપના કાર્યાલય માટે સો ટકા કામ કર્યું છે. પાર્ટીએ મને ખાતરી આપી હતી કે તમને કોઈ કાંઈ ન કરી શકે તેમ છતાં મને ન્યાય મળતો નથી. આ ઓડિયો ક્લિપમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ શહેર ભાજપની સંગઠન પાંખના પ્રમુખના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતી વાતચીતનો ભાંડો ફૂટતા અનેક અધિકારી અને ભાજપના હોદ્દેદારોના પગ નીચે રેલો આવે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે પૂર્વ ટીડીઓ જે.વી.સેદાણીને ડીસમીસ કરાયા બાદ તેઓ પુનઃ નોકરી પર જવા માટે હવાતિયા મારી રહ્યા છે. આ માટે એક પ્રયાસના ભાગરૂપે તેમણે પૂર્વમંત્રી અને જામનગરના ધારાસભ્ય ડો.વસુબેન ત્રિવેદી સાથે મોબાઈલ પર વાતચીત કરી હતી તેની ઓડિયો ક્લિપ વાયરલ થતા દિવસ દરમિયાન તો લગભગ રાજ્યભરમાં આ ક્લિપ વાયરલ થઈ ગઈ હતી.
જે.વી.સેદાણી અંગે એવું કહેવાય છે કે ટીપીઓ તરીકે તેઓ જામનગર પાલિકા અને એક હથ્થુ શાસન ચલાવતા હતા અને સુપરપાવર તરીકે ઓળખાતા હતા. આ દરમિયાન સેદાણી પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થતા એસીબીએ ઘોંસ બોલાવી હતી અને આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ આ બાબતનો પર્દાફાશ થતા તત્કાલિન મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલે તેમને ડીસમીસ કરી દીધા હતા. ટીપીઓ પદેથી ડીસમીસ કરાયા બાદ સેદાણીએ મનપાના પૂર્વ કમિશનરો અને ભાજપના હોદ્દેદારો પાસે અનેક રજૂઆતો કરી હતી. છેલ્લે સ્ટે. કમિટીમાં પોતાની ફાઈલ આગળ ચલાવવા ધારાસભ્ય વસુબેન ત્રિવેદીના મોબાઈલ ફોન પર સંપર્ક કરી તેમને વિનંતી કરી હતી. જેમાં મહાપાલિકાના અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોના ભ્રષ્ટાચારને ઉઘાડી પાડતી અનેક ચોંકાવનારી બાબતનો પર્દાફાશ થયો છે. આ ઓડિયો ક્લિપ સાંભળતા એવું સ્પષ્ટ જણાય છે કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા આ ફાઈલ આગળ ચલાવવા બહેન એટલે કે વસુબેન ત્રિવેદીને વાત કરવા જણાવવામાં આવ્યું છે. ઓડિયો ક્લિપમાં મનપાની જુદી જુદી શાખાઓમાં ભાજપની સંગઠન પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવી ભાગ બટાઈ કરે છે, કોના હાથ અને મોઢા કાળા થયા છે તેના નામ સહિતની વાતચીત સાંભળવા મળી છે. ભૂતકાળમાં તેમણે કોના ઈશારે શું કામગીરી કરી હતી ? કોને કેટલો ભાગ આપ્યો હતો ? તે સાંભળી શકાય છે. ઉપરાંત જે.વી.સેદાણીએ ર૭/૪/ર૦૧૭ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલો પત્ર પણ વાયરલ થયો છે જેમાં પણ ભ્રષ્ટાચારને ઉઘાડી પાડતા ભયંકર આક્ષેપો કરાયા છે. આમ આજે દિવસભર રાજકીયક્ષેત્રે અને સામાન્ય પ્રજામાં ઓડિયો ક્લિપની ચર્ચાએ જોર પકડ્યું હતું.