(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૯
ભાણવડ પંથકમાં ખનિજ ચોરીનો કાળો કારોબાર બેકાબૂ છે એ હવે કોઇ નવી વાત રહી નથી. પરંતુ ખનિજચોરો જે રીતે આ ગેરકાયદેસર ખનિજનું તંત્રના નાક નીચે જ બેરોકટોક વહન કરી રહ્યા છે. તેને લઇને જવાબદાર તંત્રના અધિકારીઓનું વલણ શંકા જગવાનારૂં છે. ભાણવડ પંથકના રાણપર, પાછતર, પાછતરડી, ઢેબર, ભવનેશ્વર જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી બેફામ રીતે ખનિજ ચોરી કરવામાં આવી રહી છે. જેની સામે ખાણ ખનિજ ખાતું, સ્થાનિક તેમજ જિલ્લાના પોલીસ ખાતાના અધિકારીઓની ચુપ્પી આમ પ્રજાની સમજની બહાર છે. ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન કર્યા બાદ ટ્રક-ટ્રેક્ટરોમાં ભરીને સરાજાહેર બારોબાર કપગ કરી જઇ રહ્યું છે છતાં જવાબદાર તંત્ર દ્વારા ક્યાં કારણોથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે દૈનિક લાખો રૂપિયાની ખનિજ ચોરી થઇ રહી હોય અને જવાબદાર તંત્ર અજાણ હોય એ વાત કેમ ગળે ઉતરે તો જાણ હોવા છતાં ચોરી થવા દેવામાં આવતી હોવા પાછળ શું કારણ હોઇ શકે હાલ જે ગેરકાયદેસર ઉત્ખનન કરેલા ખનિજનું ખનિજ માફિયાઓ દ્વારા ભાણવડ શહેરના જાહેર માર્ગો પર શહેરી પ્રજાની વચ્ચેથી અને તંત્રના નાક નીચે જે રીતે ખુલ્લેઆમ વહન કરાવાઇ રહ્યું છે, તે ખાણ ખનિજ અને પોલીસ તંત્રના અધિકારીઓની મીલીભગતની ચાડી ખાઇ રહ્યું છે અને જો આ વાતમાં એક ટકો પણ તથ્ય સાબિત થાય તો આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદીના ભ્રષ્ટાચાર મુક્ત ભારતના અભિયાનને મોટા ફટકા સમાન કહેવાશે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ખનિજ ચોરીના એરિયાઓમાં ખનિજ માફિયાઓ દ્વારા પીજીવીસીએલના ટીસીઓ પણ અનધિકૃત રીતે લગાવી દેવામાં આવ્યા છે ત્યારે પીજીવીસીએલ કાું.ના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ખનિજ માફિયાઓ દ્વારા બરડા ડુંગરના વિસ્તારોમાં આવેલી ગૌચર તેમજ ફોરેસ્ટ વિડીની જમીનોમાંથી પણ કરોડો રૂપિયાનું ખનન કરી લેવામાં આવેલું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે અને માલધારીઓને પશુઓના ખોરાક માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે. અહી એ પણ નોંધવાનું રહ્યું કે, મોડી રાતથી વહેલી સવાર સુધી કોઇપણ જાતના ટ્રાફિક નિયમોનું પાલન કર્યા વિના આડેધડ દોડતા ખનિજ ભરેલા વાહનો શહેરની પ્રજા માટે યમદૂત સમાન છે. રોડ પર સહેજ પણ ચૂક થઇ કે, આ માતેલા સાંઢ જેવા વાહનોની ઠોકરે ચડી જતા વાર ન લાગે.