(સંવાદદાતા દ્વારા) જામનગર, તા. ૧પ
જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ પદાધિકારીઓની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ મેયર તરીકે હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર પદે કરસન કરમૂર તથા સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે સુભાષ જોષીની પસંદગી જાહેર થતાં સસ્પેન્સનો કંઈક અંશે આશ્ચર્યજનક અંત આવ્યો છે.
આજે જામનગર મહાનગરપાલિકાના પક્ષના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સૌ પ્રથમ શહેર કાર્યાલય આવી પહોંચ્યા હતાં. ત્યાંથી પ્રદેશમાંથી આવેલા નામો સાથે મહાનગરપાલિકામાં આવ્યા હતાં જ્યાં સ્થાયી સમિતિના મિટિંગ રૃમમાં પક્ષના તમામ કોર્પોરેટરોની બેઠક યોજાઈ હતી. જેમાં ધનસુખભાઈ ભંડેરીએ મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેન અને સાથે સાથે શાસક પક્ષના નેતા અને દંડકના નામોની જાહેરાત કરી હતી. શાસક પક્ષના નેતા તરીકે દિવ્યેશ અકબરી તથા દંડક તરીકે જડીબેન સરવૈયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકામાં હવે પછીના અઢી વર્ષની ટર્મ માટે મેયરપદ ઓબીસી અનામત હોવાથી પ્રવિણ માડમ, મેરામણ ભાટુ, હસમુખ જેઠવા, કરસન કરમુરના નામો છેવટ સુધી ચર્ચામાં હતાં, પણ તેમાંથી ત્રણેય આહિર સમાજના ઉમેદવારોને સાઈડમાં રાખીને ભોય જ્ઞાતિના હસમુખ જેઠવા આગળ નીકળી ગયા. હવે… આ પૂર્વ મેયર ફરીથી મેયર પદે વરાયા છે.
જ્યરે ડેપ્યુટી મેયર પદ કોઈ મહિલાને જ મળશે તેવું નિશ્ચિત મનાતું હતું તેમાં પણ પક્ષની નેતાગીરીએ તમામ ધારાણાઓ ઉંધી પાડી દઈ મહિલાના બદલે કરસન કરમુરની પસંદગી કરી છે.
આવી જ આશ્ચર્યજનક પસંદગી સુભાષ જોષીના નામની થઈ છે. કોર્પોરેટરો દિવ્યેશ અકબરી, દિનેશ પટેલ, અરવિંદ સભાયા જેવી પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવાના બદલે સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ જેવા અતિ મહત્ત્વના પદ પર પ્રથમ વખત જ ચૂંટાયેલા સુભાષ જોષીની પસંદગીથી આશ્ચર્ય ફેલાયું છે.