જામનગર, તા. ૧૦
પાન-મસાલા માટે વપરાતા પ્લાસ્ટિકના કટકા અને પાણીના પ્લાસ્ટિકના પાઉચના કારણે જ શહેરભરમાં કદાચ સૌથી વધુ પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ ફેલાય રહ્યું છે. શાકભાજી-ફળ-રેસનીંગ તથા પ્રોવિઝનની ઘરવપરાશની ચીજવસ્તુઓ માટે પણ મહદ્‌અંશે પ્લાસ્ટિકની ઝબલા થેલીનો ઉપયોગ થતો હોય, ઝબલા થેલીઓના પ્લાસ્ટિક વેસ્ટ પણ ચારેતરફ કચરા સાથે જોવા મળે છે. લગભગ દરેક ઘરમાંથી એંઠવાડ કે અન્ય કચરો પ્લાસ્ટિકની ઝબલા થેલીમાં ભરીને બહાર ફેંકવામાં આવે છે અને આ પ્લાસ્ટિક શેરી-ગલીઓમાં રખડતા અસંખ્ય ઢોર અને તેમાં ય ખાસ કરીને ગાયના પેટમાં જાય છે. અનેક ગાયોના મોત પેટમાં પ્લાસ્ટિક કચરાના ઝેરના કારણે થયા હોવાના કિસ્સાઓથી સૌ પરિચિત છે. મૃતક ગાયના પેટમાંથી ઢગલામોઢે પ્લાસ્ટિક નીકળ્યાના પણ દાખલા નોંધાયા છે.
પ્લાસ્ટિકનો વપરાશ રોકવા કડક અમલવારીની જરૃર છે, માત્ર જાહેરનામું પ્રસિદ્ધ થાય અને મહાનગરપાલિકા તંત્રનો એક વિભાગ અને તેના બે-ચાર કર્મચારીઓનો સ્ટાફ દસ-અગિયાર હજાર પાણીના પાઉચ કે ૭૦-૮૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરે તેવી કામગીરી પ્રસિદ્ધ થાય… પણ, જે માત્રામાં પાણીના પાઉચ, પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે તે જથ્થા સામે આ જપ્ત કરાયેલા જથ્થાના આંકડા સાવ નહીંવત્‌ છે તેમ કહેવામાં જરાય અતનિશયોક્તિ નથી.
ખરેખર તો… પાન-મસાલા પેકીંગ માટે વપરાતા પ્લાસ્ટિકના કટકા, પાણીના પાઉચ, ચાની હોટલોમાં વપરાતી પ્લાસ્ટિકની પ્યાલી, ચૂનાના પાર્સલની પડીકીઓ, ઝબલા થેલીના ઉત્પાદકો અને શહેરમાં તેના જથ્થાબંધ વેપારીઓને ત્યાં જ દરોડા પાડી મૂળમાંથી જ બજારમાં પ્લાસ્ટિકના પ્રવેશને અટકાવી દેવાની જરૃર છે. બાકી નાની-મોટી દુકાનો કે હોટલોમાં ચેકીંગના નાટક કરી થોડો ઘણો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવાથી આ દૂષણને ડામી શકાશે નહીં.
પ્લાસ્ટિક પરના પ્રતિબંધની જામનગરમાં ક્યાંય કોઈ અસર જોવા મળતી નથી… તેની પાછળ તંત્રની સાવ નબળી અમલવારી તો જવાબદાર છે જ, અને આ તંત્ર પાસે તો સ્ટાફ નથી, તેવા બહાના આગળ ધરી દેવામાં આવે છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે આવા પ્રતિબંધની અમલવારી કરવાના બદલે ચેકીંગ કરવા નિકળતી ટૂકડી કે સંબંધિત સ્ટાફને જાણે નિયમિત હપ્તા ઉઘરાવવાનો પરવાનો મળી ગયો હોય તેવો ઘાટ સર્જાય છે અને પરિણામે ડમી કેસ કે મામુલી દંડ કે પછી નગણ્ય જથ્થો જપ્ત કરવાના નાટકો સાથે મોટા પાયે ઉઘરાણાં ચાલુ થઈ જાય છે.