જામનગર, તા.ર૬
જામનગર સહિત દેશભરના દસ લાખ બેંકકર્મીએ હડતાલ પર જતા આજે નાણાકીય વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે અને કરોડોનું ટ્રાન્ઝેક્શન અટવાયું છે. સપ્તાહમાં બીજી હડતાલ અને રજાના દિવસો જોડાતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હડતાલમાં જામનગર જિલ્લાના ચાર હજાર બેંકકર્મીઓ જોડાયા છે અને ચાર દિવસમાં ર૦૦ કરોડથી વધુનું ક્લિયરીંગ ઠપ્પ થયું છે. વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરેલા બેંકકર્મીઓએ જામનગરમાં વિરોધ પ્રદર્શિત કરીને સૂત્રોચ્ચાર કર્યા હતાં.
બેંકોના એકીકરણના વિરોધમાં આજે દેશવ્યાપી બેંક હડતાલના એલાનથી જામનગરની તમામ બેંકોમાં તાળા લટકતા જોવા મળ્યા હતા. બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી જરૂર પડ્યે વધુ આક્રમક લડત આપવાની પણ ચિમકી આપી હતી.
ભારત સરકારની બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના એકીકરણ (મર્જર) સામે બેંક કર્મચારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. તેની સામે આજે દેશભરમાં બેંક કર્મચારી યુનિયન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને આજે જામનગરની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલ પાડવામાં આવી હતી.
બેંક કર્મચારી યુનિયનના આગેવાન કુલીન ધોળકિયા અને સચિન ચાવડાની આગેવાનીમાં આજે સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ સામે યુકો બેંક પાસે બેંક કર્મચારીઓ દ્વારા દેખાવ, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.
યુનિયન આગેવાનોના જણાવ્યા પ્રમાણે આ ત્રણ બેંકના એકીકરણથી બેંકને, સરકારને કોઈ ફાયદો નથી. આ નિર્ણયથી બેંકોની સંખ્યા ઘટશે, કર્મચારીઓની છટણી થશે. જો સરકાર આ મુદ્દે ફેર વિચારણા નહીં કરે તો બેંક કર્મચારી યુનિયનો દ્વારા વધુ આક્રમક રજૂઆતો, આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ કરશે.