જામનગર, તા.૨૫
જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા ધરારનગરથી માંડી કાલાવડ નાકા સુધીના વિસ્તારોમાં વીજ ચેકીંગ કરતાં રૂા.૧૬ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ ગઈ છે. બે દિવસમાં કુલ ૩૧ લાખની વીજચોરી મળી આવી છે.
જામનગરની સ્થાનિક સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત જામનગર શહેરમાં શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગ દરમ્યાન સવારે જામનગર સર્કલ હેઠળના સિટી-૧ ડિવિઝન અંતર્ગત દરબારગઢ, સાત રસ્તા અને પટેલ કોલોની સબ ડિવિઝનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વીજચોરી ડામવા માટે ચેકીંગ કર્યું હતું.
સ્થાનિક વીજ અધિકારીઓની બનાવવામાં આવેલી તેત્રીસ ટુકડીઓએ ચોવીસ સ્થાનિક પોલીસના જવાનો, સત્તર એક્સ આર્મીમેન તેમજ અન્ય સુરક્ષાકર્મીઓના સજ્જડ બંદોબસ્ત હેઠળ જામનગરના ધરારનગર, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, વિનાયક પાર્ક, પટેલવાડી તેમજ કાલાવડ નાકા પાસે આવેલી ટીટોડી વાડી સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. બપોર સુધી આ ટૂકડીઓએ કુલ ૭૫૬ વીજજોડાણો ચેક કર્યા હતા જેમાંથી ૧૨૦ જોડાણોમાં ગેરરીતિ સાંપડતા તેના ધારકોને રૂા.૧૬ લાખ ૪ર હજારના પૂરવણી બીલ ફટકારવામાં આવ્યા છે. આમ, બે દિવસમાં જામનગર શહેરના ધરારનગરથી માંડી રણજીતસાગર રોડ સુધીના વિસ્તારોમાંથી કુલ રૂા.૩૧ લાખ ઉપરાંતની વીજચોરી પકડી પાડી છે.