જામનગર, તા.૧ર
ભારતના પાડોશી દેશ બર્મા (મ્યાનમાર)માં છેલ્લા કેટલાય સમયથી વસતા રોહિંગ્યા મુસ્લિમો તેમજ હિન્દુ ભાઇઓની કત્લેઆમ કરવામાં આવી રહ્યા છે તથા ત્યાંના ૧૧ લાખ જેવા ગરીબો અને લાચાર મુસ્લિમો ઉપર ત્યાંની સરકાર દ્વારા અમાનવીય ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. આ અંગે ઘટતું કરવાની માગણી સુન્નીજુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ જામનગર દ્વારા રાષ્ટ્રપતિને લખાયેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર આર.જે.માકડિયાને આપ્યું હતું. આ સમયે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા. આ આવેદનપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, બર્મા (મ્યાનમાર)માં માનવતાની સરેઆમ કતલ કરવામાં આવી રહી છે. નાના અને નિર્દોષ ભૂલકાઓ સહિત સેકડો લોકોને બેરહેમીથી અને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. મજબૂરી વશ લાખો લોકો બર્માથી હિજરત કરી આજુબાજુના દેશોમાં શરણાર્થી તરીકે રહેવા આવ્યા છે. આ અંગે વિશ્વભરના ખ્યાતનામ અખબારોમાં પણ સમાચારો આવ્યા છે, અને હાલમાં પણ રોહિંગ્યા મુસ્લિમ વિસ્તારોમાં સેના દ્વારા લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે એટલું જ નહી લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને માનવ અધિકારોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. બર્મામાં ત્યાંની સરકાર તથા સૈનિકો દ્વારા સાંપ્રદાયિક હિંસા આચરી નાના-નાના ભૂલકાઓની બેરહેમીથી હત્યા અને મહિલાઓ સાથે બળાત્કાર જેવા અમાનવીય અત્યાચારો ગુજારી માનવ અધિકારનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. અમારી એ વિનંતી છે કે, બર્માની સરકાર તથા સેના દ્વારા રોહિંગ્યા મુસલમાનો તથા બીજા ધર્મના લોકો સાથે માનવતા મૂકીને જે અત્યાચાર ગુજારી લોકોની સરેઆમ કતલ કરવામાં આવી રહ્યા છે, ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે અને આ દેશ કાયમ માટે પાડોશી દેશોમાં આવેલ કુદરતી આફતો કે માનવ સજીર્ત આફતો જેવા દુઃખદ પ્રસંગોએ તમામ પ્રકારની મદદ કરતું રહ્યું છે ત્યારે ત્યાંના લોકોને તાત્કાલિક જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે આપણા માધ્યમથી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે દરમિયાનગીરી કરી માનવતાની થઇ રહેલ હત્યા અટકાવવા માગણી છે. આ આવેદનપત્ર આપતી વખતે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ ઇબ્રાહીમભાઇ ઇસ્માઇલભાઇ ખફી, ખલીફા એ. કાજી ગુજરાત, સૈયદ અબ્દુલ કાદરબાપુ, એમ. કે. બ્લોચ, અસલમ ખીલજી, જુનુસ આલી ખેડુ (સિકકા), જુમ્મા જાકુબ હંંદળા, અમીનભાઇ મેપાણી, ઈસ્માઇલ હુશેન અલવાણી, ઇબ્રાહીમભાઇ સુત્રા, કાદરબાપુ જુણેજા, જુમ્મા જાકુબ, ડો. તૌસીફખાન પઠાણ, ઇસ્માઇલ ગંઢાર, નઝીરભાઇ ખીરા, હુશેનભાઇ ઇરાની, આમદ અબ્દુલ્લા ગજીયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.