(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંંટણી માટે પોતાની પાર્ટીનો ઘોષણાપત્ર જારી કરી દીધો છે. આ દરમિયાન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટોની, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. ઘોષણાપત્ર દજારી કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે અમે એક વર્ષ પહેલા ઘોષણા પત્ર અંગે પ્રક્રિયા શરૂ કરી ત્યારે મેં પી ચિદમ્બરમ અને રાજીવ ગૌડાને બે વાતો કહી હતી. મેં કહ્યું હતું કે, આ બંધ બારણે બનાવેલો ઘોષણાપત્ર હોવા ન જોઇએ. આમાં ભારતના લોકોની વાતો હોવી જોઇએ. બીજું કે આ વાસ્તવિકતા પર આધારિત હોવો જોઇએ. તેમાં એક પણ વાત જુઠ્ઠાણા પર આધારિત હોવી જોઇએ નહીં. આપણે વડાપ્રધાન પાસેથી રોજે રોજ જુઠ્ઠાણું સાંભળી રહ્યા છીએ. કમિટીએ આ બંને વાતો પર સારી રીતે કામ કર્યું છે.
રાહુલ ગાંધીના ભાષણની
૧૦ મહત્વની બાબતો
૧. કોંગ્રેસ ગરીબી પર વાર માટે કામ કરશે. ગરીબ લોકોને વાર્ષિક ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે. આ નાણા સીધા ગરીબો અને ખેડૂતોના ખિસ્સામાં જશે. પહેલીવાર એવું થશે કે ગરીબોના ખિસ્સામાં સીધા નાણા જશે. મોદી સરકારે નોટબંધી અને જીએસટી લાગુ કરીને અર્થતંત્રના ચીથરે ચીથરા કરી નાખ્યા છે. આનાથી અર્થતંત્ર ફરીવાર ઉછાળો મારશે.
૨. દેશમાં રોજગાર અને ખેડૂતોના મોટા મુદ્દાઓ છે. દેશમાં યુવાઓને રોજગાર નથી મળી રહ્યો. પીએમ મોદીએ બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. મેં મારી કમિટીને પુછ્યું કે, વાસ્તવિકતા શું છે ? વાસ્તવિકતા એ છે કે, દેશમાં ૨૨ લાખ પદો સરકારી નોકરીઓમાં ખાલી પડ્યા છે.
૩. કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો માર્ચ ૨૦૨૦ સુધી આ ૨૨ લાખ પદોને ભરશે. આ ઉપરાંત ૧૦ લાખ યુવાઓને ગ્રામ પંચાયતોમાં રોજગાર પુરો પાડવામાં આવી શકે છે.
૪. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે પણ યુવા એન્ટરપ્રેન્યોર બનવા માગે છે તેણે અત્યારે ઘણા વિભાગોમાંથી મંજૂરી લેવી પડે છે. પણ અમારી સરકાર બન્યા બાદ ત્રણ વર્ષ માટે દેશના યુવાઓને બિઝનેસ શરૂ કરવા માટે કોઇપણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નહીં રહે.
૫. પીએમ મોદીએ મનરેગાને બેકાર સ્કીમ ગણાવી હતી. આજે આખો દેશ જાણે છે કે, મનરેગાએ દેશની કેટલી મદદ કરી છે. હવે આ અંતર્ગત ૧૦૦થ વધારી ૧૫૦ દિવસ ગેરંટી રોજગાર કરી દઇશું.
૬. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ અને કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે બે દિવસમાં ખેડૂતોની લોન માફ કરી દીધી છે. ખેડૂતો માટે અમે બે મોટી બાબતો વિચારીની રાખી છે. પ્રથમ ખેડૂતો માટે અલગ બજેટ હશે. ભારતના ખેડૂતને ખબર હોવી જોઇએ કે, તેને કેટલા નાણા આપવામાં આવે છે અને તેના પાકનુ કેટલું લઘુતમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે.
૭. બીજું કરોડપતિ લોકો બેંકલોન લે છે અને બેંકના નાણા લઇને ભાગી જાય છે. જે ખેડૂતો બેંકલોન લે છે અને નાણા ભરી શકતા નથી તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છે. અમે નક્કી કર્યું છે કે, આવા કેસોને અપરાધિક કેસો માનવામાં ન આવે. ખેડૂત જો લોન ચુકવી શકતો નથી તો તેને સિવિલ કેસ માનવામાં આવે.
૮. શિક્ષણ ક્ષેત્રે અમે નક્કી કર્યું છે કે જીડીપીના છ ટકા નાણા દેશના શિક્ષણ માટે આપવામાં આવશે. સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજ, આઇઆઇટી અને આઇઆઇએમ જેવી સંસ્થાઓ તમામ જગ્યાએ બનાવવામાં આવે. બીજી તરફ મોદી સરકારે તેને ઓછી કરી છે.
૯. સ્વાસ્થ્ય માટે સરકાર એક યોજના લઇને આવી છે. અમે સરકારી હોસ્પિટલો અને સરકારી પબ્લિક હેલ્થને મજબૂત કરીશું. અમારૂં ધ્યાન એ રહેશે કે ગરીબ લોકોને સારામાં સારી હોસ્પિટલમાં સારી સારવાર મળે.
૧૦. રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે દેશના ભાગલા પાડવાનું કામ કર્યું છે. તેણે દેશમાં ઘણી નફરત ફેલાવી છે. કોંગ્રેસ દેશને જોડવા અને એક સાથે લઇને ચાલવાનું કામ કરશે. અમારૂં ધ્યાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર વધારે હશે.

પાંચ મોટા વાયદા
૧. ન્યાય : રાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાને વાયદો કર્યો કે, ૧૫ લાખ રૂપિયા એકાઉન્ટમાં આવશે, તે જુઠ્ઠાણું હતું. અમે તેમની વાત પકડી લીધી અને ઘોષણાપત્ર કમિટીને પુછ્યું કે, દેશની જનતાના એકાઉન્ટમાં કોંગ્રેસ કેટલા નાણા નાખી શકે છે. તેમણે મને ૭૨ હજારનો આંકડો આપ્યો. ગરીબી પર વાર ૭૨ હજાર. એક વર્ષમાં ગરીબોના ખાતામાં સીધા ૭૨ હજાર રૂપિયા કોંગ્રેસ પાર્ટી નાખશે. એક વર્ષમાં ૭૨ હજાર અને પાંચ વર્ષમાં ૩.૬૦ લાખ રૂપિયા થશે. મોદીએ નોટબંધી અને જીએસટી દ્વારા અર્થવ્યવસ્થાને જે રીતે ચક્કાજામ કરવાનું કામ કર્યું છે તેને અમે પરત પાટા પર લાવીશું.
૨. રોજગાર : ચિદમ્બરમે કહ્યું કે, બે મોટા મુદ્દા છે રોજગાર અને ખેડૂતો. ૨૨ લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે. તેને કોંગ્રેસ પાર્ટી ૨૦૨૦ સુધી ભરશે. ૧૦ લાખ યુવાઓને ગ્રામ પંચાયતોમાં નોકરીઓ અપાશે. મેક ઇન ઇન્ડિયાથી દુનિયામાં તમે બિઝનેસ કરવા માગો છો. ત્રણ વર્ષ માટે યુવાઓએ બિઝનેસ માટે કોઇ પરવાનગી લેવાની જરૂર નહીં પડે. અમે તમને રોજગાર આપીશુંં. કોંગ્રેસ આ માટે દરવાજા ખોલશે.
૩. ખેડૂતો : અમે મનરેગામાં રોજગારના ૧૫૦ દિવસો નક્કી કરવા માગીએ છીએ. અમારી ગણતરી અનુસાર ખેડૂતોનું અલગ બજેટ હોવું જોઇએ. ખેડૂતોને ખબર હોવી જોઇએ કે, તેમના માટે કેટલું બજેટ આપવામાં આવશે અને તેમને કેટલું લઘુતમ સમર્થન મુલ્ય મળશે. નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો નાણા લઇને ભાગી જાય છે. ખેડૂતો જો બેંકના નાણા ના આપી શકે તો તેમને જેલમા નાખવામાં આવશે નહીં. જો ખેડૂતો નાણા ના આપી શકે તો તેને અપરાધિક કેસ ના ગણીને સિવિલ કેસ ગણવો.
૪. શિક્ષણ ક્ષેત્રે અમે નિર્ણય લીધો છે કે, જીડીપીના છ ટકા નાણા દેશના શિક્ષણ પાછળ ખર્ચ થશે. આઇઆઇટી, આઇઆઇએમ જેવી સંસ્થાઓને અમે તમામની પહોંચ સુધી પહોંચાડવા માગીએ છીએ. મોદી સરકારે હંમેશા તેને ઓછી કરી છે.
૫. હેલ્થ સેક્ટર : હેલ્થ સેક્ટરમાં મોદી સરકાર એક યોજના લાવી છે જે અંતર્ગત ઇન્શ્યોરન્સના નાણા પ્રાઇવેટ હોસ્પિટલોના ખિસ્સામાં નાખવામાં આવે છે. અમે સરકારી વ્યવસ્થાઓને મજબૂત કરવાનું કામ કરીશું. અમે ખાતરી કરીશું કે ગરીબોને સારી સારવાર મળે.