અમદાવાદ,તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ શંકરસિંહ વાઘેલાના નેજા હેઠળ જન વિકલ્પ મોરચા દ્વારા ભારતમાં સૌપ્રથમવાર ઉમેદવારોની ઓનલાઇન પસંદગી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જન વિકલ્પ મોરચાએ વિધાનસભા ચૂંટણીને લઇ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સોશ્યલ મીડિયા મારફતે સીધો લોકસંવાદ ઉભો કર્યો છે અને ગુજરાતના લોકોની સાચા અર્થમાં સેવા કરવા ઇચ્છતા ઉમેદવારોને ઓનલાઇન જન વિકલ્પ મોરચાના ઉમેદવાર બનવાની તક પૂરી પાડવામાં આવી છે. આ માટે જન વિકલ્પ મોરચા દ્વારા તેની વેબસાઇટ પર ઉમેદવાર બનવા માટેનું અરજી ફોર્મ મૂકવામાં આવ્યું છે. આ મોરચો ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ટ્રેકટર ચલાવતા કિસાનના ચિહ્ન પર વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી લડી રહ્યો છે જન વિકલ્પ મોરચાના પ્રવકતા પાર્થેશ પટેલે આજે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાંથી કોઇપણ નાગરિક જન વિકલ્પ મોરચાના ઉમેદવાર બનવા માટે આ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે, જેમાં તેણે પોતાની પર્સનલ ડિટેઇલ્સ ભરીને ઓનલાઇન મૂકવાની હોય છે. આ ફોર્મમાં જિલ્લો અને મતવિસ્તાર સીલેકટ કરવાની સુવિધા પણ અપાઇ છે. મતદાર યાદી અને વોટર આઇડી નંબર પછી ફોર્મમાં આઇડી ફોટો અપલોડ કરવાનું બટન આપવામાં આવ્યું છે. ફોર્મમાં આધારકાર્ડ નંબર પણ આપવાનો રહે છે. જન વિકલ્પ મોરચાના પ્રવકતા પાર્થેશ પટેલે ઉમેર્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ પણ તેમની વેબસાઇટ કરી શકયા નથી તેવી માહિતી જન વિકલ્પ મોરચાની વેબસાઇટ પર જોવા મળે છે. જન વિકલ્પ મોરચાના પ્રણેતા શંકરસિંહ વાઘેલા રાજયના ઘણા વિસ્તારોમાં નાગરિકોને અને મતદારોને રૂબરૂમાં તાજેતરમાં મળી ચૂકયા છે અને તેમણે હવે લોકોનો ડિજીટલ સંપર્ક થકી સંવાદ શરૂ કર્યો છે. રાજયના નાગરિકો જન વિકલ્પની મોબાઇલ એપ્લીકેશનથી પણ આગેવાનોનો સંપર્ક કરી શકે છે. ગુજરાતમાં ડિજીટલની વાતો થાય છે અને પેપરલેસ વહીવટના દાવાઓ કરાય છે પરંતુ વાસ્તવમાં જન વિકલ્પ મોરચો જ એવો છે કે, જેણે રાજયમાં સૌપ્રથમવાર ઉમેદવારોની ઓનલાઇન પસંદગીનો નવતર અભિગમ અપનાવ્યો છે.