(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
શંકરસિંહ વાઘેલા પોતાના ત્રીજા મોરચા સમાન “જન વિકલ્પ”ને ગુજરાતમાં પ્રતિપાદિત કરવા બરોબરના લાગી પડ્યા છે. તેઓએ આજે રાજકીય પત્રકાર પરિષદ યોજી મતદારોને આકર્ષવા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં હોય તેમ અનેક વાયદાઓ કર્યા હતા. તેમણે સરપંચોને ખર્ચ માટે માસિક રૂા.પ૦૦૦, સૌરાષ્ટ્ર માટે અલગ સચિવાલય બનાવવા તેમજ બેરોજગારોને રોજગારી ભથ્થુ આપવા સહિતની લ્હાણી કરતી જાહેરાતો કરી હતી. કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બાદ જનવિકલ્પ સાથે જોડાયેલા શંકરસિંહ વાઘેલા ભાજપ કોંગ્રેસથી નારાજ પ્રજાને ત્રીજો વિકલ્પ પુરો પાડવા મેદાને પડ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે ત્યારે ગુજરાતની ૧૮ર બેઠક ઉપર જનવિકલ્પ ચૂંટણી લડશે. તેમ જણાવતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે કે જનવિકલ્પના સદસ્યો સાથે આ અંગે ગુજરાતમાં મહત્ત્વની બેઠકો યોજાઈ રહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા બાપુએ જણાવ્યું હતું કે જનવિકલ્પની સરકાર આવશે તો સરપંચોને માસિક રૂા.પ૦૦૦નો હાથ ખર્ચ આપશે. સાથે જ પંચાયતના બિલ પાસ કરવાની જૂની પદ્ધતિ અપનાવાશે. રાજકોટ ભાવનગર રોડ તાત્કાલિક રીપેર કરાશે. કચ્છ માતાનો મઢ, દ્વારકા, સોમનાથ, હાજીપીર, ખોડલધામ વગેરેના વિકાસ માટે સૌરાષ્ટ્રનું અલગ સચિવાલય બનાવશે. સમયાંતરે સૌરાષ્ટ્રમાં કેબિનેટ બેઠક મળશે તેમ જણાવ્યું હતું. મગફળી અને કપાસમાં ઊંચા ભાવ આપવામાં આવશે. મગફળીમાં ૧ર૦૦ અને કપાસમાં ૧પ૦૦ અપાશે. બેરોજગાર માટે ૩થી પ હજારનું ભથ્થું આપવા સાથે ૧૦ લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે. રોટી કપડાં ઉપર જીએસટી દૂર થવું જોઈએ. પેટ્રોલ ડીઝલમાં અને ગેસમાં ૧૦ ટકા વેટનો ઘટાડો કરાશે, રપ ટકા અનામત આપવા અલગ ઠરાવ કરાશે તેવી પણ ઘોષણા કરી હતી.