લોસ એન્જલસ,તા.૧૩
નોર્થ કેલિફોર્નિયામાં લાગેલી આગમાં આજે વધુ ૧૩ મૃતદેહો મળી આવ્યા છે. ગુરૂવારથી લાગેલી આ આગમાં હવે મૃત્યુઆંક ૪૪એ પહોંચ્યો છે. કેલિફોર્નિયામાં કેમ્પ ફાયર અને લોસ એજન્લસમાં વૂસ્લે ફાયર કેલિફોર્નિયાના ઇતિહાસની સૌથી ભયાવહ આગ છે. ઓથોરિટીને મૃતદેહો કારમાં, તેઓના ઘરમાં, વાહનોની બાજુમાંથી મળી રહ્યા છે. વળી, નોર્થ કેલિફોર્નિયાની આગ પેસિફિક મહાસાગર તરફ આગળ વધી રહી છે. જેને જોતાં આગામી દિવસોમાં પાવર લાઇનને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. ૨૭,૦૦૦ની વસતી ધરાવતું પેરેડાઇઝ ટાઉન સાવ નાશ થયું છે. ૮૦ કિમી/કલાકની ઝડપે ચાલી રહેલા પવનના કારણે અનેક શહેરો અને કસ્બાઓને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.
કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગમાં લોસ એન્જલસમાં આવેલા મેલિબુ સિટી સુધી પહોંચી હતી. લોસ એન્જલસમાં લાગેલી આગને વૂસ્લે ફાયર તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લાં ચાર દિવસથી લાગેલી વૂસ્લે ફાયરમાં ૧૦૧ હાઇવે, ૯૩,૬૬૨ એકર જમીન અને લોસ એન્જલસ તેમજ વેન્ટૂરા કાઉન્ટીઝમાં અનેક મકાનોને નુકસાન થયું છે. મેલિબુ સિટીમાં અનેક હોલિવૂડ સેલિબ્રિટીઝના મેન્શન આવેલા છે. હોલિવૂડ એક્ટર ગેરાર્ડ બટલર શનિવારે મલિબૂ પહોંચ્યા હતા. વૂસ્લે ફાયરમાં બટલરનું મેન્શન અને મોંઘીદાટ કાર પણ ખાખ થઇ ગઇ છે. રવિવારે બટલરે ઇન્સ્ટાગ્રામ પર બળી ગયેલી સંપત્તિની તસવીરો શૅર કરી હતી.
૪૮ વર્ષીય એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરો અને વીડિયોમાં કેપ્શન આપ્યું હતું કે- ’આગના કારણે સ્થળાંતર બાદ મલિબૂ મારાં ઘરે પહોંચ્યો છું. કેલિફોર્નિયા માટે આ દુઃખદ સમય છે. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટની હિંમત, ભાવના અને બલિદાન બદલ ધન્યાવાદ.’
કેલિફોર્નિયાનું પેરેડાઇઝ ટાઉન કેમ્પ ફાયરમાં આખું ખાખ થઇ ગયું હતું. મંગળવારે આગના કારણે મૃત્યુઆંક ૪૪એ પહોંચ્યો છે.
બટ કાઉન્ટીના પોલીસ ઓફિસર કોરી હોનેના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે ગુમ થયેલા અન્ય ૧૩ લોકોની ઓળખ થઇ ગઇ છે. હોનેના જણાવ્યા અનુસાર, હજુ પણ પેરેડાઇઝમાં ૧૦ લોકોની શોધ ચાલુ છે; સાત લોકોના મૃતદેહો તેમના ઘરોની અંદર અને બહારથી મળી આવ્યા હતા.
ભારે પવનના કારણે જે પ્રકારે જંગલોની આગ આગળ વધી રહી છે તે જોતાં હવે પાવર લાઇન્સને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. કેમ્પ ફાયરના કારણે અત્યાર સુધી ૧.૧૩ લાખ એકર જમીન અને જંગલોને નુકસાન થયું છે.
સાઉથ કેરોલિનામાં વૂસ્લે અને હિલ્સ ફાયર પણ વધુ જોર પકડી રહ્યા છે. કેમ્પ ફાયરના કારણે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે, કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ સૌથી ઐતિહાસિક આગ છે. જેમાં ૭,૧૦૦ મકાનો અને અન્ય બિલ્ડિંગ્સને નુકસાન થયું છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયા સ્ટેટમાં મુખ્ય આપત્તિ જાહેર કરી છે. સોમવારે ટ્‌વીટર પર ટ્રમ્પે આ જાહેરાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે, આપદામાં ઝડપથી મદદ પહોંચી શકે તે માટે અહીં આપત્તિ જાહેર કરવામાં આવી છે. ટ્રમ્પની આ જાહેરાત શરૂઆતમાં વાઇલ્ડફાયર્સ માટે ફોરેસ્ટ ટીમ જવાબદાર હોવાના નિવેદનની ટીકા બાદ થઇ છે. શનિવારે ટ્રમ્પે ફોરેસ્ટ મેનેજમેન્ટની કામગીરીને અત્યંત નબળી ગણાવી હતી.