અમદાવાદ, તા.રપ
આજકાલ ચોર ગઠિયાઓની સાથે-સાથે ભેળસેળિયાઓ પણ સ્માર્ટ બની ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લકેટ ઓઈલ બનાવતી ગેરકાયદે ફેક્ટરી સાથે ઓઈલનો ધંધો કરતા ત્રણ લોકોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચંડોળા-નારોલ રોડ પાસે અને બોમ્બે હોટલની પાછળ ઈન્દિરાનગરના બંગલા નંબર બી/ર૭ ઈસનપુર ખાતે શેડમાંથી હીરો ૪ટી પ્લસ તથા સર્વોના ૯૦૦ મીલીના ઓઈલના ડબ્બાઓ તથા ડોલોમા લુઝ ઓઈલ ભરી તે ડબ્બા પર હીરો તથા સર્વો કંપનીના સીલ અને લેબલ લગાડી એક કરવાનું કામ કરતાં જુનેદ અબ્દુલ લતીફ કુરેશી, મોઈન ઉસ્માનગની નાગોરી, અસલમ મુમતાજભાઈ કુરેશીને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચે તેઓની પાસેથી હીરો ૪ટી પ્લસ તથા સર્વોના ૯૦૦ મીલીના ખાલી ડબ્બા તથા ઓઈલ ભરેલા ડબ્બા સાથે સ્ટીકરો તથા ઓઈલના ડબ્બા સીલ કરવાનું ચાઈનાનું મશીન, ઓઈલ ભરેલા ૯ નંગ બેરલ સહિતનો રૂા.૧,૭ર,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જુનેદ કુરેશી હીરો ૪ટી પ્લસ તથા સર્વોના ૯૦૦ મીલીના ઓઈલના ડબ્બાઓમાં તથા ડોલોમાં લુઝ ઓઈલ ભરી તે ડબ્બા પર હીરો તથા સર્વો કંપનીના સીલ અને લેબલ લગાડી પેક કરી વેચાણ કરતા હતા. જે અંગે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ આદરી છે. અત્રે નોંધનીય છે કે જો તમે ઓઈલ ખરીદતા હોય તો ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ક્યાંક ગઠિયાઓએ બનાવેલું નકલી ઓઈલ તમારી પાસે આવી જાય તો નવાઈ નહીં.