(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.પ
વલસાડ ગાયનેકોલોજિસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન એસોસિએશન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન બાબતે જન જાગૃતિ લાવવાના આશયથી વલસાડના બાઈ આવાબાઈ હાઈસ્કૂલના મેદાન ખાતેથી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. રેલીનું પ્રસ્થાન વલસાડ કલેકટર સી.આર.ખરસાણે લીલીઝંડી આપી કરાવ્યું હતું. આ રેલીમાં વિવિધ શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમજ વિવિધ સમાજના ભેદભાવ અને ભૃણ હત્યા રોકવાના બેનરો પોસ્ટરો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ રેલી વલસાડ શહેરના બાઈ આવા બાઈ હાઈસ્કૂલના મેદાનથી નીકળી શહેરના ગૌરવપથ, આઝાદ ચોક, રામરોટી ચોકથી વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ પરત મેદાને આવી પહોંચી હતી. મેદાનમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન બેટી બચાવો બેટી પઢાઓ બાબતે તમામે શપથ ગ્રહણ કર્યા હતા.
બાઈ આવા બાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થિની દ્વારા બેટી બચાવો થીમ પર ગીત રજૂ કરાયું હતું. તેમજ આર.એમ.વી.એમ. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્ત્રી સ્વરૂપે સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ અંગેની ઝલક રજૂ કરી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.સજીવ દેસાઈએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન એસોસિએશનના પ્રમુખ ડો.પરસી ખરાસ અને સેક્રેટરી, ડો.યોગિનીબેન રોલકરે ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર, વલસાડ નગરપાલિકા શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી, વલસાડ મેડિકલ કોલેજના ડીન ડો.જી.આર. પટેલ, વલસાડ મીડિયા એસોસિએશનના પ્રમુખ દિવ્યેશ પાંડે સહિત મોટી સંખ્યામાં મેડિકલ રીપ્રેઝેન્ટેટીવ હાજર રહ્યા હતા.