(એજન્સી) મુંબઈ, તા. ૧૦
મુંબઈમાં સતત ચોથા દિવસે પડેલા વરસાદના કારણે માયાનગરીના શહેરીજનોની સ્થિતિ વિકટ બની ગઈ હતી. મેઘતાંડવને લીધે ઠેર ઠેર રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ફરી વળતાં લોકોને બહાર જવું મુશ્કેલ બની ગયું હતું. બીજી તરફ શહેરની જીવાદોરી મનાતી લોકલ ટ્રેનને પણ ભારે વરસાદની અસર પડી હતી. શહેરમાં ૨૦૧૧થી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ ચોમાસામાં એક દિવસમાં આટલો વરસાદ નથી થયો.
મુંબઈમાં આકાશમાંથી પડીલી આફતે લોકલ ટ્રેનો પર બ્રેક લગાવી દીધી હતી. ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે લોકલ સેવા પ્રભાવિત થતાં ઘણી નવી ટ્રેનો લેટ થઇ તો ઘણી ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી હતી. માત્ર રેલ સેવા જ નહીં વિમાની સેવા પણ પ્રભાવિત થઈ હતી. અનેક ફ્લાઈટ્‌સ કેન્સલ કરી દેવામાં આવી જ્યારે ઘણા વિમાન લેટ થયા હતાં. ખરાબ હવામાન કારણે ઘણી એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્‌સ કેન્સલ કરી હતી. રનવે પર પાણી ભરાઈ જવાના કારણે વિમાનોનું લેન્ડિંગમાં પણ મુશ્કેલી પડી હતી.
આ ઉપરાંત હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરી છે. જુહૂ બીચ પર દરિયાના મોજાઓથી દૂર રહેવાની લોકોને સલાહ આપી હતો, જુહૂ બીચ સેલાણીઓ અને મુંબઈ વાસીઓથી ભરેલો રહે છે, જે સૂનસાન નજરે થઇ ગયો હતો. માછીમારોને પણ સમુદ્રથી દૂર રહેવાની સલાહ અપાઇ હતી.
મુંબઈમાં રેલ્વેની સાથે રસ્તાઓના હાલ પણ બેહાલ બની ગયા હતા. શહેરના રસ્તાઓ દરિયામાં ફેરવાઈ ગયા હતા. રસ્તાઓ ઉપર છલોછલ પાણી ભરાવાને કારણે રસ્તાઓ ઉપર પડેલા ભૂવા અને ખાડાઓ અનેક નિર્દોષ લોકોના જીવ લીધો રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઇ હતી. ભારે વરસાદને કારણે શહેરના ડબ્બાવાળાઓ (ટીફિનવાળાઓ)એ એમની સેવા આપવાનું બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે અનેક જગ્યાઓ પર સુરક્ષાને જોતા, પાટા પરથી પાણી ઉતરે નહિં ત્યાં સુધી રેલ સેવાઓ રોકી દેવામાં આવી છે. હાલમાં પાટા પરથી પાણી ઉતરી જાય તેની રાહ જોવામાં આવી રહી છે. અનેક જગ્યાએ મશીનો દ્વારા પાટા પરથી પાણી હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મધ્ય રેલવેની મુખ્ય હાર્બર અને ટ્રાંસ હાર્બર લાઈનો પર ટ્રેનોનું આવાગમન હવે સામાન્ય થતું જાય છે. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં કમરથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા હતા. આટલા પાણીમાં લોકો પોતાનો જીવ જોખમમાં નાંખી પોતાના કામ આટોપી રહ્યા હતા. મુંબઈમાં રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકો ચાલીને જવા માટે મજબૂર બન્યા હતા. વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ શતાબ્દી રોકી દેવી પડી હતી. ટ્રેન નાલાસોપારા સ્ટેશનની પાસ રોકવી પડી હતી. મુંબઈ શતાબ્દી ઠપ થઇ ત્યારે સવાલ ઉદ્દભવે છે કે આવી સ્થિતિમાં બુલેટ ટ્રેન કેવી રીતે ચાલશે.