(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
શનિવારે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નિમિત્તે ઉજવાતા હિંદુ તહેવાર જન્માષ્ટમીની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે ટિ્‌વટ કરીને કહ્યું કે, “જન્માષ્ટમીના પાવન અવસરે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્કામ કર્મ એટલે કે, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનો સંદેશ આપ્યો છે. મારી ઈચ્છા છે કે, આ તહેવાર દરેકના જીવનમાં હર્ષોલ્લાસ અને ઉમંગ લાવે.” જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, “તમામ દેશવાસીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા આપણી જીદંગીમાં ખુશીઓ અને સારૂં સ્વાસ્થ્ય પ્રદાન કરે. જય શ્રી કૃષ્ણ !” ગઈકાલે તમામ કૃષ્ણ મંદિરોમાં ખાસ કરીને મથુરા, વૃંદાવન અને દ્વારકામાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરંપરાગત રીતે કૃષ્ણને પારણામાં ઝુલાવીને ધામધૂમથી આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.