(એજન્સી) બેઈજીંગ, તા.૯
ચીને પોતાના ‘નજીકના મિત્ર’ પાકિસ્તાનની મદદ કરવા માટે અવકાશમાં તેના માટે બે ઉપગ્રહ છોડયા છે. અહેવાલ મુજબ ચીને આ બન્ને ઉપગ્રહોને સોમવારે પોતાના લોન્ચ માર્ચ ર-સી રોકેટથી છોડયા છે. આ બન્ને ઉપગ્રહના નામ પીઆરએસએસ-૧ અને પીએકેટીઈએસ-૧એ જણાવવામાં આવી રહ્યા છે. પીઆરએસએસ-૧ પાકિસ્તાનને વેચવામાં આવેલો ચીનનો પહેલો ઓપ્ટિકલ રિમોટ સેંસિંગ ઉપગ્રહ છે અને કોઈ વિદેશી ગ્રાહક માટે ચાઈના એકેડેમી ઓફ સ્પેસ ટેકનોલોજી (સીએએસટી) દ્વારા વિકસિત કરાયેલ ૧૭મો ઉપગ્રહ છે. પીઆરએસએસ-૧ પરિભ્રમણ કક્ષામાં સ્થાપિત થતાં જ તે દુનિયાના એ પસંદગીના દેશોમાં સામેલ થઈ ગયો છે. જેમની પાસે પોતાના રિમોટ સેંસિંગ ઉપગ્રહ છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા વિકસિત એક વૈજ્ઞાનિક પ્રયોગ ઉપગ્રહ પીએકેટીઈએસ-૧ એને જિઉકવાન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રમાંથી સવારે ૧૧ઃપ૬ કલાકે તે જ લોન્ચ માર્ચ રોકેટ દ્વારા પરિભ્રમણ કક્ષામાં મોકલવામાં આવ્યો. પાકિસ્તાની મીડિયા અનુસાર પીએકેટીઈએસ-૧ એને પાકિસ્તાનમાં જ વિકસિત કરીને લોન્ચ કરવા માટે ચીનમાં મોકલવામાં આવ્યો હતો કારણ કે તેની પાસે અત્યારે ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટેની જરૂરી સુવિધાઓ નથી.