(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
રાફેલ સોદાને લઇ દેશમાં ચાલી રહેલા ધમસાણ વચ્ચે ફ્રાન્સની વિમાન નિર્માણ કંપની દસોલ્ટ એવિએશનના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઇઓ) એરિક ટ્રેપરે અનિલ અંબાણીની રિલાયન્સને નાણા આપવાની પુષ્ટી કરી છે પણ તેમણે એ વાતનો ઇન્કાર કર્યો હતો કે, આ નાણા ભારતીય અબજોપતિની કંપનીમાં ગયા હતા. સત્તાવાર સમાચાર એજન્સી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, અણે રિલાયન્સમાં નાણા લગાવી રહ્યા નથી પણ આ રકમ સંયુક્ત ઉપક્રમ એટલે કે જોઇન્ટ વેન્ચરમાં જઇ રહી છે. એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રેપિયરે સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અનિલ અંબાણીની રિલાયન્સને વિમાન નિર્માણમાં અનુભવ દેખાડવાની જરૂર ન હતી કેમ કે દસોલ્ટના એન્જિનિયરોએ ભારતીય કંપનીને લડાકુ વિમાનો બનાવવાની રીતો શીખવાડી હતી. તેમણે ક્હયું કે, અંબાણીને અમે પોતે પસંદ કર્યા હતા કેમ કે તેમને પોતાની સુરક્ષા પ્રણાલીને મજબૂત રાખવા માટે લડાકુ વિમાનોની જરૂર છે. સીઇઓએ કહ્યું કે, જ્યાં સુધી સોદાની વાત છે તો મારી પાસે એન્જિનિયરો અને કામદારો છે જેઓ આને લઇ ઘણા અનુભવી છે. જ્યારે બીજી તરફ અમારી પાસે રિલાયન્સ જેવી ભારતીય કંપની છે જે આ જોઇન્ટ વેન્ચરમાં નાણા રોકી રહી છે અને તે પોતાના દેશને વિકસિત કરવા માટે કરી રહી છે. તેથી રિલાયન્સ એ પણ જાણી શકશે તે વિમાનો કેવી રીતે બનાવી શકાય. ટ્રેપિયરના નિવેદનનો ચિતાર એ છે કે ભારતીય ઓફસેટ પાર્ટનરને લડાકુ વિમાન બનાવવામાં પૂર્વ અનુભવની કોઇ જરૂર ન હતી. જોકે, પાછલા મહિને ‘જનતા કા રિપોર્ટરે’ ખુલાસો કર્યો હતો કે, સુરક્ષા ખરીદ નીતિ ૨૦૧૬ની કલમ ડી અંતર્ગત કલમ ૪.૧માં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, યોગ્ય ઉદ્યમોના નિર્માણમાં લાગેલા ભારતીય ઉદ્યમો, સંસ્થાઓ તથા પ્રતિષ્ઠાનો અથવા ડીઆરડીઓ સહિત યોગ્ય સેવાઓની જોગવાઇને ભારતીય ઓફસેટ પાર્ટનરના રૂપમા માનવામાં આવશે. તેથી ભારતીય ઓફસેટ પાર્ટનરના રૂપમાં રિલાયન્સની પસંદગી પોલિસી દેખીતી રીતે જ ઉલ્લંઘન હતી.