નવી દિલ્હી, તા. ૧૪
શું લડાકુ વિમાન રાફેલના સોદામાં મોટું કૌભાંડ આચરાયું છે ? શું ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો પહોચાડવા માટે રાફેલ સોદો કરવામાં આવ્યો હતો ? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર દરમિયાન ફ્રાન્સની કંપની સાથે ૧૨૬ રાફેલ લડાકુ વિમાનોના સંરક્ષણ સોદાઓને રદ કરી તેમના મિત્ર (અનિલ અંબાણી)ને કરોડો રૂપિયાનો ફાયદો પહોંચાડવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી છે ? કોંગ્રેસે આ તમામ આરોપો મંગળવારે ૧૪મી નવેમ્બરે એક ‘જનતા કા રિપોર્ટર’ દ્વારા કરાયેલા ખૂલાસા બાદ લગાવ્યા છે. મંગળવારે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ‘જનતા કા રિપોર્ટરે’ જે ખૂલાસો કર્યો છે તે અનુસાર મોદી સરકાર રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી રહી છે જેને માફ ન કરી શકાય.
કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ રાફેલ એરક્રાફ્ટ ખરીદીમાં મોદી સરકાર પર કૌભાંડનો આરોપ મૂક્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે, રાફેલ ખરીદીમાં કોઇ પારદર્શિતા નથી. તેમણે કહ્યંુ કે, અહેવાલ પરના ઉપલબ્ધ તથ્યોના આધારે રાફેલ એરક્રાફ્ટની ખરીદીમાં કૌભાંડની ગંધ આવી રહી છે. સુરજેવાલાએ કહ્યંુ કે, પબ્લીક એક્સચેકરને રાફેલ એરક્રાફ્ટની ખરીદીમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ પીએમ મોદી ફ્રાન્સ જઇને અચાનક સંરક્ષણ મંત્રી વિના એ જાહેરાત કરી દેવાઇ કે, તેમની સરકાર ફ્રાન્સ પાસેથી ૩૬ એરક્રાફ્ટ ખરીદશે. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંજોગથી જ્યારે મોદી ફ્રાન્સ ગયા હતા ત્યારે તેમની સાથે એક મોટા ઉદ્યોગપતિ અને તેમના મિત્ર અનિલ અંબાણી પણ ફ્રાન્સ ગયા હતા. તેમણે કહ્યું કે, ૩૦મી જુલાઇ ૨૦૧૫ના રોજ ભારત સરકારે જે યુપીએ સરકાર દરમિયાન ૧૨૬ લડાકુ વિમાન ખરીદવાની ટેન્ડર પ્રક્રિયા હતી તેને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ત્યારબાદ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારત સરકાર ફ્રાન્સની ડેસાલ્ટ એવિએશન સાથે ૩૬ લડાકુ વિમાન ખરીદવાનો કરાર કરે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેના ૧૦ દિવસની અંદર જ ત્રીજી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ અનિલ અંબાણીની કંપનીએ ડેસાલ્ટ એવિએશન પાસેથી લડાકુ વિમાનોના ઉત્પાદનને લઇ કરાર કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, જહાજોની કિંમત ૫૨૬ કરોડની છે જ્યારે સોદો ૧૫૭૧ કરોડનો થયો છે.
રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ૨૦મી ઓગસ્ટ ૨૦૦૭માં ૧૨૬ લડાકુ એરક્રાફ્ટ ખરીદવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. આ ડીલ માટે બે કંપનીઓ સામે આવી હતી. જેમાં રાફેલ બનાવનારી કંપની ડેસાલ્ટ એવિએશનની પસંદગી કરવામાં આવી હતી. સોદાની શરત હતી કે, ૧૮ રાફેલ વિમાન ફ્રાન્સમાં બનશે અને કંપનીની મદદથી ૧૦૮ રાફેલ વિમાન ભારતમાં બનશે. પરંતુ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના પ્રવાસ દરમિયાન ૩૬ એરક્રાફ્ટ સીધી રીતે ફ્રાન્સ પાસેથી ખરીદવાની જાહેરાત કરી દીધી હતી. સુરજેવાલાએ મોદી સરકારને સવાલ પૂછ્યો હતો કે, ૩૬ રાફેલ લડાકુ વિમાન યુપીએ સરકાર દરમિયાન કરાયેલા સોદાના મુકાબલે ઘણા વધારે મોંઘા કેમ ખરીદવામાં આવ્યા હતા? તેમણે કહ્યું કે, ભારતીય વાયુ સેના માટે લડાકુ વિમાનોની ખરીદીમાં એક મોટું કૌભાંડ આચરાયું છે. આ ડીલ બાદ સરકારી ખજાનાને થનારા નુકસાનને જાહેર ન કરી સરકારે ષડયંત્રકારી રીતે મૌન સાધ્યંુ છે. ઉલ્લેખનીય છે કે, ‘જનતા કા રિપોર્ટરે’ લડાકુ વિમાનના સોદા અંગે મોટો ખૂલાસો કર્યો છે કે, મોદી સરકારે પોતાના કેટલાક નજીકના ઉદ્યોપતિઓને ફાયદો પહોંચાડવા માટે યુપીએ સરકાર દરમિયાન કરાયેલા ૧૨૬ વિમાનોના સોદાને રદ કરી મોંઘા ભાવમાં ૩૬ લડાકુ વિમાનોનો સોદો કર્યો હતો.