(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૮
જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામે બનેલા એક બનાવમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી અને આ બાબતે રોકવા જતાં સરપંચને ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામનો બિહારીભાઈ આંબાલાલ સાવલીયા (ઉ.વ.૬૦) એ બધાભાઈ મોરી જાતે રબારી (રહે. મૂળ ગાંધીગ્રામ જૂનાગઢ)વાળા વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવેલ છે કે આ કામના આોપીએ ઝાલણસર ગામની આશરે ૬ વિઘા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો હતો. જે બાબતે ગામના સરપંચ તરીકે તેમને રોકવા જતાં આ કામના ફરિયાદી બિહારીભાઈ આંબાલાલ સાવલિયાને આરોપી બધા મોરીને પોતાના ખેતરે નહીં આવવા જણાવેલ તેમજ ફોન કરીને એવી ધમકી પણ આપેલ છે કે, મને રૂા.૮,૦૦,૦૦૦ આપી દે અથવા જીઈબીના કોટેશનમાં સહી કરી દે નહીંતર તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવતાં પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.વી. ચુડાસમા ચલાવી રહ્યાં છે.