(એજન્સી) તા.૩૦
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮ર મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૩૧ ઓક્ટોબરે તેમની જયંતી પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભવ્ય રીતે આયોજિત સમારોહમાં આ મૂર્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પોતાની ઊંચાઈના કારણે આ પ્રતિમા હવે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બની ગઈ છે. ગુજરાત સરકારને આશા છે કે આ વિશાળકાય મૂર્તિને જોવા માટે દેશ જ નહીં વિદેશોના પર્યટક પણ આવશે. પ્રતિમા બનાવનારી કંપની એલએન્ડટીના મુખ્ય કાર્યપાલક અધિકારી તેમજ એમડી એસ એન સુબ્રમણ્યમે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક છે. ત્યાં આ ભારતના એન્જિનિયરીંગ કૌશલ્ય તેમજ યોજના મેનેજમેન્ટ ક્ષમતાઓનું સન્માન પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણવા જેવી ૧૦ વાતો.
૧. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન ૧૦૦૦ ટન છે અને ઊંચાઈ પરર ફૂટ એટલે ૧૮ર મીટર છે તેના પગની ઊંચાઈ ૮૦ ફૂટ હાથની ઊંચાઈ ૭૦ ફૂટ, ખભાની ઊંચાઈ ૧૪૦ ફૂટ અને મોઢાની ઊંચાઈ ૭૦ ફૂટ છે.
ર. આ મૂર્તિનું નિર્માણ રામ વી. સુથારની દેખરેખ હેઠળ થયું છે. દેશ-વિદેશમાં શિલ્પ કળામાં પ્રસિદ્ધ રામ વી. સુથારને વર્ષ ર૦૧૬માં સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. આ પહેલાં વર્ષ ૧૯૯૯માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૩. ચીન સ્થિત સ્પ્રિંગ ટેંપલની ૧પ૩ મીટર ઊંચી બુદ્ધ પ્રતિમાના નામે અત્યારસુધી સૌથી ઊંચી મૂર્તિ હોવાનો રેકોર્ડ હતો. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ હવે આ મૂર્તિને બીજા સ્થાને છોડી દીધી છે. ૧૮ર મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાર ન્યૂયોર્કની ૯૩ મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બે ગણી છે.
૪. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ૩૩ મહિનાના રેકોર્ડે ઓછા સમયમાં બનીને તૈયાર થઈ છે જ્યારે સ્પ્રિંગ ટેંપલની બુદ્ધની પ્રતિમાના નિર્માણમાં ૧૧ વર્ષનો સમય લાગ્યો હતો.
પ. સરદાર પટેલની આ મૂર્તિને બનાવવામાં લગભગ ર૯૮૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો. કંપની અનુસાર કાંસાનું પડ ચઢાવવાના આંશિક કાર્યને છોડીને સંપૂર્ણ નિર્માણ દેશમાં જ કરવામાં આવ્યું છે.
૬. આ સ્મારકની આધારશીલા ૩૧ ઓક્ટોબરે ર૦૧૩માં રાખવામાં આવી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપે સંપૂર્ણ દેશમાં લોખંડ ભેગું કરવાનું અભિયાન પણ ચલાવ્યું હતું.
૭. સરદાર પટેલની મુખ્ય પ્રતિમા બનાવવામાં ૧૩૪૭ કરોડ રૂપિયા ખર્ચ થયો. જ્યારે ર૩પ કરોડ રૂપિયા પ્રદર્શન હોલ અને સભાગૃહ કેન્દ્ર પર ખર્ચ થયો, ૩પ૭ કરોડ રૂપિયા નિર્માણ કાર્ય પૂરું થયા પછી આગામી ૧પ વર્ષ સુધી પ્રતિમાની દેખરેખ પાછળ ખર્ચ થશે. ૮૩ કરોડ રૂપિયા પુલના નિર્માણ પર ખર્ચ કરવામાં આવ્યા.
૮. ભાજપના સહયોગી પાર્ટી અપના દળે પટેલની પ્રતિમાના અનાવરણ સમયે પાર્ટી કાર્યકર્તાઓને સાક્ષી બનાવવા માટે ટ્રેન દ્વારા લઈ જવાની જાહેરાત કરી છે.
૯. સરદાર પટેલની આ પ્રતિમા અંગે ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપ પણ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પટેલની પ્રતિમાને મેડ ઈન ચાઈના ગણાવી હતી.
૧૦. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પ્રવાસ દરમિયાન પણ ભારતીયો સાથે વાતચીત દરમિયાન વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. સાથે જ તેમને આ મૂર્તિ જોવા માટે આમંત્રિત પણ કરી ચૂક્યા છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વિશે જાણવા જેવી ૧૦ વાતો

Recent Comments