(એજન્સી) ટોક્યો, તા.ર૯
જાપાનની રાજધાની ટોક્યોમાં આગામી વર્ષે ઓલિમ્પિક રમાશે. અનેક મુસ્લિમ ખેલાડી પણ આવશે. તેમને નમાઝ પઢવામાં મુશ્કેલી ના થાય તે માટે ટોક્યોમાં મોબાઈલ મસ્જિદો શરૂ કરવામાં આવી છે. સમાચાર મુજબ મોબાઈલ મસ્જિદ સ્ટેડિયમની બહાર ઊભી કરવામાં આવશે તેમાં પ૦ લોકો નમાઝ પઢી શકશે. તેમાં હાથ ધોવા અને નમાઝ માટે મેટ્‌સની સુવિધા છે. તેને ટોક્યોની સ્પોટ્‌સ એન્ડ કલ્ચર ઈવેન્ટ કંપનીએ બનાવી છે. કંપની મુજબ મસ્જિદો મોટા ટ્રકોને કન્વર્ટ કરીને બનાવવામાં આવી છે. જ્યારે આ ક્યાંક ઊભી થાય છે તો રિમોટ કન્ટ્રોલથી તેના પાછળનો ગેટ ખુલી જાય છે ત્યારબાદ તેની અંદરનો ભાગ પપ૧ સ્કવેર ફિટનો આકાર લઈ લે છે. જેમાં પ૦થી વધુ લોકો નમાઝ અદા કરી શકે છે. ટોક્યોમાં માત્ર ચાર મસ્જિદો છે. જેથી બહારથી આવનાર મુસ્લિમોને નમાઝ પઢવામાં હંમેશાથી મુશ્કેલી રહી છે. આવામાં મોબાઈલ મસ્જિદો રાહતનું કામ કરશે. જાપાનમાં મસ્જિદ કાબેમાં ૧૯૩પમાં બનાવવામાં આવી હતી. સંપૂર્ણ દેશમાં લગભગ ૬૦ મસ્જિદો છે. મોબાઈલ મસ્જિદનો પ્રયોગ ર૦૧૬માં ઈન્ડોનેશિયામાં લાગુ કરવામાં આવ્યો હતો જે સફળ પણ રહ્યો. પ્રયોગ હેઠળ ઈન્ડોનેશિયામાં લીલા કલરની વેન તે ભાગોમાં જોવા મળે છે જ્યાં ઘણી ભીડ હોય છે.