(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને જાપાનના સંબંધો એક નવી વૈશ્વિક ઊંચાઇ પ્રસ્થાપિત કરશે. જાપાન પાસે જ્ઞાન અને ટેકનોલોજી તથા ભારતમાં માનવ સંશાધનને વધુ કાર્યક્ષમ બનાવવાની ક્ષમતા નવી તાકાત બનીને ઉભરશે. સક્ષમ ભારત અને સક્ષમ જાપાનની ધરી સમગ્ર એશિયા અને વિશ્વને નવી દિશા બતાવશે. ઇન્ડિયા-જાપાનની એન્યુલ સમિટના સમાપન પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત અને જાપાનને એકબીજા પ્રત્યે ટેકનોલોજી, જ્ઞાન અને કૌશલ્યપ ક્ષેત્રે આકર્ષણ રહ્યું છે ત્યારે ભારતમાં જાપાની કંપનીઓનું ઔદ્યોગિક મૂડીરોકાણ દેશના ઔદ્યોગિક વિકાસનો નકશો બદલી નાંખશે. મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ૫૦૦ કિ.મી.ના અંતરનું આ સોપાન ર૦રર-ર૩ સુધીમાં કાર્યરત થશે. આ માટે હાઇસ્કીલ મેનપાવરની જરૂરિયાત રહેશે, તે બંને દેશો પૂર્ણ કરશે. જાપાન મુલાકાતનું સ્મરણ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મીની જાપાન જોવાનું સપનું મેં જોયું હતું તે આજે સાકાર થયું છે અને ગુજરાતમાં એક વધુ જાપાની ટાઉનશીપની જાહેરાત તથા ગુજરાતમાં સુખેથી જીવતા અને બિઝનેસ કરતા જાપાની બાંધવોને જોઇને ખુશીની લાગણી થાય છે. રૂદ્રાક્ષના નામથી વારાણસીમાં તૈયાર થનારા ભારત-જાપાન કન્વેન્શન સેન્ટર બંને દેશના લોકોના સાંસ્કૃતિક, સામાજિક આદાન-પ્રદાન તથા મૈત્રીભાવને વધુ ઊંડો બનાવશે તેવી શ્રદ્ધા તેમણે વ્યકત કરી હતી. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત વિશ્વમાં આજે ત્રીજા સ્થાને હોવાનું ગૌરવ વ્યકત કરીને તેમણે ડિજિટલ ઇન્ડિયા-સ્કીલ ઇન્ડિયામાં જાપાનના સહયોગને બિરદાવ્યો હતો. ઇન્સોલ્વન્સી, બેંક કરપ્સી કોડ, કોમર્શિયલ કોડ દ્વારા વ્યાપારિક ગતિવિધિની વૃદ્ધિ કરવા સાથે ભારત ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી પોલિસી તરફ આગળ વધી રહ્યું છે તેની વિગતો તેમણે આપી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, ર૧મી સદી એશિયાની સદી છે. જાપાન અને ભારત એશિયાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, ભારત અને જાપાનની આર્થિક સ્થિરતા અને મજબૂતાઇ ન માત્ર એશિયામાં પરંતુ વિશ્વના અર્થતંત્રને સ્થિરતા આપવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને જાપાન પર્ફેકટ પાર્ટનર છે. જાપાનના વડાપ્રધાન શિન્જો અબેએ ભારત-જાપાન વચ્ચેના સંબંધો બીજા દેશો સાથેના સંબંધો કરતાં ઘણા મજબૂત બનવાની સંભાવના ધરાવે છે. જાપાનની ઉચ્ચ ટેકનોલોજી અને સંશોધન તથા ભારતના માનવબળ સૌથી મોટી ઉત્પાતદન ક્ષમતામાં પરિવર્તિત થઇ શકે છે. તેમણે કહ્યું કે, આગામી સમયની ગાડીઓ ભારતમાં બનશે અને વિશ્વભરમાં વેચાશે. ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઘણી સંભાવના છે. ભવિષ્યની કાર માટે ઓટોમોટીવ બેટરીની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે ગુજરાતમાં જાપાની કંપનીના સહયોગથી બનનાર ઓટોમોટીવ બેટરી પ્લાન્ટ મહત્ત્વપૂર્ણ બની રહેશે. ડેન્શો સુઝુકી, તોશીબા કંપનીઓના સંયુકત ઉપક્રમે બેટરીનો પ્લાન્ટ ગુજરાતમાં પહેલીવાર બની રહ્યો છે તે ભારતનો પણ આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ બની રહેશે. જાપાનની મોટી કંપનીઓ પાસે ઉચ્ચ ટેકનીકલ ક્ષમતા છે. તેઓની આ ક્ષમતાને તેઓ ગુજરાતના સાનુકૂળ ઉદ્યોગવર્ધક રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમે જાપાની કંપનીઓને ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપીશું, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સમિટમાં જે સલાહ-સૂચનો મળ્યાં છે તેને ધ્યાનમાં રાખીને આગળ વધીએ અને તેનું સુદૃઢ અમલીકરણ કરીને ભારત-જાપાનની કંપનીઓ માટે વિકાસનું આકાશ રાહ જોઇ રહ્યું છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારતની યુવા પેઢી જાપાનની આ કંપનીઓ સાથે જોડાઇ પોતાની ક્ષમતાને નિખારે તે માટેનું તેમણે આહ્‌વાન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની મુલાકાત લેનારા વ્યક્તિ મારા દાદા હતા. તેનાં સંભારણાંને યાદ કરતાં તેમણે કહ્યું કે, તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે તેમની બેઠક થઇ હતી. ત્યારબાદ પં. નહેરૂએ ભારતના લોકો સાથે મારો પરિચય કરાવ્યોે હતો. તેઓ વિશ્વયુદ્ધ બાદ હારેલા દેશ, આર્થિક રીતે પાયમાલ દેશ તરીકેની છાપ લઇ આવ્યા હતા છતાં પં. નહેરૂએ પોતાનાપણાની ભાવના દર્શાવી હતી. તેનાથી મારા દાદા વધુ પ્રભાવિત થયા હતા અને તેમણે નિશ્ચય કર્યો હતો કે હું મારા સંપૂર્ણ જીવન દરમિયાન ભારતનો મિત્ર બની રહીશ. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુંં હતું કે, ગુજરાત મેન્યુેફેક્ચરીંગ ઉપરાંત ઓટો હબ ક્ષેત્રે પણ નવી ઊંચાઇ પ્રસ્થાપિત કરી ચુકયું છે. સાથે સાથે સુઝુકી, હોન્ડા, ટોયોટા વગેરે કંપનીઓએ ગુજરાતને પોતાનું હબ બનાવ્યું છે. રાજ્યમાં ર૦ લાખથી વધુ નાના અને મધ્યમ એકમો ૧ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે ત્યારે ભારત-જાપાન વચ્ચેના એમઓયુ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.