સિદી સઈદની મસ્જિદની જાળી જોઈ અબે દંપતી અભિભૂત


વિશ્વભરના પ્રવાસીઓ જે મસ્જિદની કલાત્મક અને બેનમૂન જાળીઓ જોઈ અભિભૂત થઈ જાય છે તે અહમદઆબાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક સિદી સઈદની મસ્જિદની મુલાકાતે જાપાનના વડાપ્રધાન શિન્જો અબે તેમનાં પત્ની અકી અબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી જિંદગીમાં પહેલીવાર આ મસ્જિદની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને પોતે ગાઈડ બની જાપાનના વડાપ્રધાન અને તેમનાં પત્નીને મસ્જિદનો ઈતિહાસ સમજાવ્યો હતો. શિન્જો અને અકી અબે સિદી સઈદની મસ્જિદની કોતરણી જોઈ અભિભૂત થઈ ગયા હતા. અકી અબે તો બહાર નીકળ્યાં બાદ પણ પાછાં વળી વળીને મસ્જિદને નિહાળતાં હતાં.

 

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
જાપાનના વડાપ્રધાન શિન્જો અબે આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું ત્યારબાદ એરપોર્ટથી ફૂલોથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં જાપાનના વડાપ્રધાન શિન્જો તથા તેમના પત્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ કિમીના માર્ગ પર લોકોનું અભિવાદન ઝીલતા અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક અને કલા પ્રદર્શનની ઝાંખી નિહાળતા ભવ્ય રોડ-શો સાથે ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પરથી જાપાનના વડાપ્રધાન શિન્જો અબે, તેમના પત્ની અકી અબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે ફૂલહારથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં મેગા રોડ શો કરતાં સાબરમતી આશ્રમ પહોંચ્યા તે દરમ્યાન મોદી અને શિન્જોના મેગા રોડ શોએ શહેરના લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જાપાનના વડાપ્રધાન શિન્જો અને તેમની પત્ની અકી અબે રોડ-શો માટે નીકળતાં નગરજનોએ તેમને વધાવી લીધા હતા. સૌથી વધુ નોંધનીય અને ધ્યાનાકર્ષક વાત એ રહી હતી કે, જાપાનના વડાપ્રધાન શિન્જો અને તેમના પત્ની અકી અબે જાપાનમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમના મહેમાની પરિવેશમાં હતા પરંતુ મેગા રોડ-શો માટે ખુલ્લી જીપ્સીમાં બેઠા ત્યારે તેઓ ભારતીય પહેરવેશમાં સજ્જ થઇ ગયા હતા. ભારતીય પહેરવેશમાં જાપાનના વડાપ્રધાન શિન્જો અબે મોદીના જેવો લાઇટ યલો ઝભ્ભો, તેની પર બ્લ્યુ કલરની કોટી(મોદી કોટી) અને કુર્તામાં સજ્જ થયેલા નજરે પડતા હતા તો, તેમના પત્ની અકી અબે મરૂન કલરના પંજાબી ડ્રેસમાં વ્હાઇટ દુપટ્ટા સાથે નજરે પડતા હતા. ભારતીય પહેરવેશમાં વિદેશી મહેમાન વડાપ્રધાન અને તેમના પત્નીને નિહાળીને અમદાવાદની જનતા પણ ખુશ થઇ ગઇ હતી. વ્હાઇટ કલરની ખુલ્લી જીપ્સીને ફૂલો અને હારથી બહુ સુંદર રીતે શણગારાઇ હતી. આઠ કિલોમીટર લાંબા રોડ-શો દરમ્યાન જીપ્સીમાં મોદી, શિન્જો અબે અને તેમના પત્ની અકી અબેને ઊભા રહેવા માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી તો, સાથે સાથે રોડ શો દરમ્યાન બેસવું હોય તો પણ ખાસ ખુરશીઓ મૂકી વ્યવસ્થા કરાઇ હતી. એટલું જ નહીં, આ ત્રણેય મહાનુભાવોની સુરક્ષા અર્થે તેઓની પાછળ જાપાન અને ભારતના સુરક્ષા ગાર્ડ ખાસ તૈનાત રહેલા હતા. રોડ શો દરમ્યાન ત્રણેય મહાનુભાવો હાથ હલાવી હસતા ચહેરે નગરજનોનું અભિવાદન ઝીલતા હતા તો, સાથે સાથે સમગ્ર રૂટમાં રોડની બંને બાજુ પહેલેથી જ ઊભા રહેલા હજારો શહેરીજનો જાપાન અને ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રણેય મહાનુભાવોનું સ્વાગત-અભિવાદન કરતાં નજરે પડતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર રૂટ દરમ્યાન તેમને અમદાવાદ શહેર, તેના નગરજનો, વિવિધ સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમો, સાબરમતી રિવરફ્રન્ટ સહિતની બાબતોની માહિતી અને જાણકારી સતત આપતા રહ્યા હતા. છેલ્લે રોડ-શોના અંતે આ ત્રણેય મહાનુભાવો ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યારબાદ સાંજે લાલ દરવાજા સિદી સૈયદની જાળી નિહાળવા પહોંચ્યા હતા.