(એજન્સી) ટોક્યો,તા.૧
જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ શુક્રવારેે એલાન કર્યું કે સમ્રાટ અકિહિતો ૩૦ એપ્રિલ,ર૦૧૯ના રોજ રાજગાદી દેશે. ર૦૦ વર્ષમાં આવું પહેલીવાર બનશે કે જ્યારે દુનિયાના આ સૌથી જૂના શાહી પરિવારમાં કોઈ નિવૃત્ત થશે.
સમ્રાટ અકિહિતોના સ્થાને ક્રાઉન પ્રિન્સ નારુહિતોને જાપાનના નવા સમ્રાટ બનાવવામાં આવશે. પીએમ આબેએ કહ્યું કે સ્વાસ્થ્યના કારણોસર ૮૩ વર્ષીય લોકપ્રિય સમ્રાટના પદમુક્ત થવાની તારીખ અંગે શાહી પરિષદની એક વિશેષ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.
સરકાર એ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય એટલા પ્રયત્ન કરશે કે જાપાનના લોકો સમ્રાટના ગાદી છોડવા અને ઉત્તરાધિકારી પ્રિન્સ ક્રાઉનના ગાદી સંભાળવાનો ઉત્સવ ઉજવી શકે. અકિહિતોના મોટા પુત્ર પ૭ વર્ષીય પ્રિન્સક્રાઉન તેમના પદમુક્ત થયાના આગામી દિવસે રાજગાદી પર બિરાજમાન થશે. અકિહિતોએ ગત વર્ષે ઉંમર અને કથળતા સ્વાસ્થ્યનો હવાલો આપતા શાહી જવાબદારીઓમાંથી મુક્તિની ઈચ્છા વ્યક્ત કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પ્રોસ્ટેટ કેન્સર સામે ઝઝૂમી રહેલા અકિહિતો હાર્ટ સર્જરી પણ કરાવી ચૂક્યા છે તેઓ પાછલા લગભગ ત્રણ દાયકાથી સમ્રાટ છે.
સમ્રાટના અનપેક્ષિત પગલાંથી દેશમાં એક સંકટની સ્થિતિ પેદા થઈ ગઈ હતી, કારણ કે એવો કોઈ કાયદો નહોતો જેમાં સમ્રાટની સેવા નિવૃત્તિ માટે કોઈ વ્યવસ્થા હોય. આવી સ્થિતિમાં વિશેષ બિલ પસાર કરીને સમ્રાટની સ્વૈચ્છિક સેવાનિવૃત્તિની ઈચ્છાને પૂરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના માટે આ વર્ષે જૂનમાં સાંસદમાં બિલ પસાર કરીને નવો કાયદો ઘડવામાં આવ્યો.